મહીસાગર જિલ્લામાં હાથીના દાંતની તસ્કરીની પ્રથમ ઘટના સામે આવી હતી. જેમાં વાઇલ્ડ લાઈફ કંટ્રોલ બ્યુરો મુંબઈના કર્મચારીઓ વેપારી બની હાંથી દાંત લેવા માટે સમગ્ર ગુજરાતમાં કાર્યશીલ બનતા ૨૦ લાખ રૂપિયામાં હાથીદાંત વેચવાના સોદામાં તૈયાર થયેલા બાલાસિનોરના હાથીદાંત વેચાણ કરનાર ત્રણ ઈસમો અને એક મહિલા હાથીદાંતના ચાર ટૂકડા સાથે રંગે હાથ ઝડપાઇ ગયા હતા. જ્યારે એક ઈસમને વોન્ટેડ જાહેર કરાયો હતો.
મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે હાથીના દાંતની તસ્કરી થઈ રહી હોવાની બાતમીના આધારે મહીસાગર વન વિભાગની ટીમ, બાલાસિનોર રેન્જ સાથે રાખીને વાઇલ્ડ લાઇફ ક્રાઈમ કંટ્રોલ મુંબઈના કર્મચારીઓએ વેપારી બની છટકુ ગોઠવ્યું હતું. જેમાં હાથી દાંત વેચનારા ઇન્દ્રિશ મહમંદ શેખને મળ્યા હતા, પરંતુ ઈદ્રિશને શંકા જતાં હાથીદાંતની ડીલ કેન્સલ કરી હતી. જેથી બાદમાં ઉપરોક્ત વિભાગોની ટીમે સ્થાનિક પોલીસને સાથે રાખીને ઈદ્રીશના ઘરે દરોડો પાડયો હતો. જ્યાં આરોપી ઈદ્રીશે તમામ સાચી હકીકતો જણાવતા કહ્યું હતું કે, મારા ઘરે હાથીદાંત નથી, પરંતુ અમારા પાર્ટનર સુલતાન અહમંદ ગુલામનબી રહે. પાયગા વિસ્તાર, બાલાસિનોરવાળાના ઘરે છે.
જેથી ટીમે રાત્રે ૩.૩૦ કલાકે અહમંદના ઘરે રેડ કરતા અહમદની પત્ની સાહિદાબાનું પાસેથી હાંથીના દાતનાં ૪ ટુકડા મળી આવ્યા હતા. વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી સરક્ષણ અધિનિયમ ૧૯૭૨ હેઠળ આરોપી ઈદ્રીશ મોહમ્મદ શેખ, સમીર સેફીભાઈ શેખ, અખ્તર હુસેન તાજ મહંમદ શેખ, સાહિસ્તાબાનો સુલતાન અહમદ શેખ, સુલતાન અહેમદ ગુલામુદ્દીન શેખ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં વન વિભાગ દ્વારા આરોપીઓને બાલાસિનોર કોર્ટમાં હાજર કરી આરોપીઓને જામીન પર છોડવામાં આવ્યા હતા. જ્યારે સુલતાન અહેમદ ગુલામુદ્દીન શેખને વોન્ટેડ જાહેર કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500