Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી : સોનગઢનાં વતની ગામીત પરિવારના એકના એક પુત્રના પાંચ અંગોના દાનથકી ચાર લોકોને મળશે નવજીવન

  • November 21, 2023 

માહિતી વિભાગ, તાપી : દાનવીરોની ભૂમિ તરીકે ઓળખાતું સુરત શહેર હવે ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિ પામ્યું છે. ગત દિવાળીથી આ વર્ષની દિવાળી સુધીના એક વર્ષના સમયગાળા દરમિયાન સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સૌથી વધુ અંગદાન થયા છે. આ કડીમાં વધુ એક અંગદાન થતા આજે ૫૦મું અંગદાન થયું હતું. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ટીચકીયા ગામ વતની ગામીત પરિવારના એકના એક ૨૮ વર્ષીય પુત્ર કમલભાઈ ગામીતની બે કિડની, લીવર અને બે ફેંફસાના દાન થકી ચાર વ્યકિતઓને નવજીવન મળશે. પ્રાપ્ત વિગતો અનુસાર તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ટીચકીયા ગામના બંદારા ફળિયા ખાતે રહેતા ૨૮ વર્ષીય આદિવાસી યુવાન કમલભાઈ ગામીત તા.૦૮ નવેમ્બરના રોજ સાંજે ૦૭:૩૦ વાગે બાઈક ઉપર ઘરે પરત જતા હતા.



ત્યારે વ્યારાના ચિખલદા ગામ સ્થિત રીક્ષા અને બાઈકનો અકસ્માત થયો હતો. ત્યારે કમલભાઈની બાઈક પણ આ અકસ્માત સાથે ટક્કર થતા તેઓને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. તત્કાલ બેભાન અવસ્થામાં ૧૦૮ એમ્યુલન્સ મારફતે વ્યારા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં ૧૦ દિવસની સારવાર બાદ તા.૨૦મી નવેમ્બરના વહેલી સવારે બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. તેમના પિતા અરવિંદભાઈ ગામીત સહિત પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવતા પરિવારજનોએ એકના એક પુત્ર કમલના અંગદાનની સમંતિ આપતા અંગો સ્વીકારાયા હતા.



આજે ૨ કિડની, લીવર અને ફેંફસાના અંગદાન થકી ચાર વ્યક્તિઓના જીવનમાં નવા વર્ષે નવા જીવનનો ઉજાશ પથરાશે. આમ ગામીત પરિવારના એકના એક પુત્રના અંગદાનથકી ચાર વ્યક્તિઓને નવા વર્ષે નવી જિંદગી બક્ષીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડ્યું છે. કમલભાઈ બાંધકામ (સેન્ટરીંગ)નું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમને સંતાનમાં દોઢ વર્ષનો પુત્ર પાર્થ છે. આમ નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકરના માર્ગદર્શન હેઠળ અંગદાનના આ સેવા કાર્યમાં સુરત પોલીસ, સોટો ટીમ, તબીબી અધિકારીઓ, નર્સિંગ અને સિક્યોરિટી સ્ટાફ તેમજ સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી. આમ, સુરત સિવિલમાં આજે ૫૦મું સફળ અંગદાન થયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application