સોનગઢના ગોલણ ગામે ગત તારીખ ૧૫-૫-૨૦૨૪ના રોજ પાણી પુરવઠા વિભાગની એક નિર્માણાધિન ટાંકીનો સ્લેબ તૂટી પડવાની ઘટનામાં એક મજૂરનું મોત થવાની સાથે ત્રણ મજૂરો ગંભીર રીતે ઘવાયા હતા. આ મામલામાં બે મહિના પછી ગુનો નોંધાયો છે. જોકે માત્ર કોન્ટ્રાક્ટરના ચાર ઈજનેરો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સોનગઢના અંતરિયાળ મલંગદેવ પામની બિલકુલ બાજુમાં આવેલ ગોલણ ગામે પાણી પુરવઠા વિભાગ દ્વારા એક ઊંચી ટાંકી બનાવવાનું કામ ચાલતું હતું.
ગત તારીખ ૧૫-૫-૨૦૨૪ના રોજ આ ટાંકીના ૬૦ ફૂટ ઊંચાઈએ સ્લેબ ભરવાનું કામ ચાલુ હતું ત્યારે સાંજના સમયે માચડા સાથે સ્લેબ તૂટી પડતા આ સ્લેબના કોંક્રિટ સાથેના કાટમાળ નીચે દબાવાથી અનિલભાઈ હનજીભાઈ ગાવિત (રહે.ઉકાળાપાણી,તા.નવાપુર, મહારાષ્ટ્ર)નું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. મૃતકનો પુત્ર અમિત અનિલભાઈ ગાવિત (ઉ.વ.18, રહે.ઉકાળાપાણી,તા.નવાપુ૨,મહારાષ્ટ્ર) અને તેની સાથે સુનિલભાઈ ટાંકલીયાભાઈ ગાવિત (ઉ.વ.37, રહે.ઉકાળાતાણી.તા.નવાપુર મહારાષ્ટ્ર) તેમજ કિશાનભાઈ સેદીયાભાઈ ગામીત (ઉ.વ.34., રહે.મલંગદેવ, તા.સોનગઢ) પણ કાટમાળ નીચે દબાવવાથી અને પટકાવાથી ગંભીર રીતે ઘવાયા હતા.
આ મામલામાં બે મહિના પછી સોનગઢ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. તેમાં સ્લેબ ભરતી વખતે મજૂરોની કોઈ સલામતી કે સેફટી નહીં રાખી સ્લેબ ભરવાનું કામ ચાલુ હતું. ત્યારે નિષ્કાળજી અને બેદરકારી રાખવાના ગુનામાં જવાબદાર ઠેરવી કોન્ટ્રાક્ટર દ્વારા આ કામના દેખરેખ માટે રોકવામાં આવેલ ચાર ઈજનેરો પ્રશાંતભાઈ મનસુખભાઈ ચૌહાણ (રહે.મોટા વરાછા, સુરત), સતીશકુમાર સુરજીભાઈ ચૌધરી (રહે.કપૂરા, વ્યારા) અને અન્ય બે શિવમભાઈ પંચાલ અને રાજવીકભાઈ ગામીત સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500