Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પૂર્વ IAS કુલીનચંદ્ર યાજ્ઞિકનું 97 વર્ષની વયે નડિયાદ ખાતે નિધન થયું

  • July 27, 2024 

આપણા પૈકીના ઘણાંના સ્નાતક પ્રમાણપત્ર ઉપર જેમની સહી છે તેવા કુલીનચંદ્ર યાજ્ઞિકે 97 વર્ષે નડિયાદ ખાતે દેહ છોડ્યો છે. કુલીનચંદ્ર યાજ્ઞિક સંસ્કૃત ભાષાના વિદ્વાન હતા. કલેક્ટર અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સ્થાપક કુલપતિ સિવાય સંસ્કૃત ભાષાના વિદ્વાન હોવું એ એમની વિશેષતા હતી. ગુજરાત સમાચાર અને અખંડ આનંદમાં સંસ્કૃત શ્લોક અર્થ સાથે લખતા હતા. વહીવટની વાતો અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના વિશે લખેલાં તેમના પુસ્તકો વાંચવા જેવાં છે.


કુલીનચંદ્ર યાજ્ઞિક 1985માં રાજ્યના ચીફ એજ્યુકેશન સેક્રેટરી તરીકે કાર્યરત હતા. ત્યારે તત્કાલીન સરકારે તેમને ઉત્તર ગુજરાતમાં યુનિવર્સિટી ઊભી કરવાની કામગીરી સોંપી હતી. જે સંપૂર્ણ થતાં 1986થી 1992 સુધીની બે ટર્મ દરમ્યાન કુલીનચંદ્ર યાજ્ઞિકે તેના પ્રથમ વાઇસ ચાન્સેલર તરીકેની ફરજ બજાવી હતી. કુલીનચંદ્ર યાજ્ઞિકે પાટણમાં આ યુનિવર્સિટી ઊભી કરવા માટે જમીન સંપાદનથી માંડીને ડિપાર્ટમેન્ટો ઊભા કરવા, યુનિવર્સિટીના મુખપત્ર અને પ્રતિક ચિહ્નો બનાવવા તથા ઉચ્ચ શિક્ષણમાં મોંઘેરી લોકચાહના મેળવવા જેવા અનેક યાદગાર કાર્યો કર્યા છે.


જ્યાં સુધી પાટણમાં યુનિવર્સિટી માટે જમીન નહીં મળે ત્યાં સુધી લાંબો સમય રાંધેલું ભોજન નહીં ખાવાની બાધા પણ તેમણે લીધી હતી. 1951થી સૌરાષ્ટ્ર સરકારમાં માહિતી મદદનીશ તરીકે તેઓ ફરજ બજાવતા હતા. ત્યારબાદ 1973થી આઇએએસ કક્ષામાં નિયુક્ત થયા હતા અને રાજ્ય ગવર્નરના સચિવ, મુખ્યમંત્રીના અગ્ર સચિવ, ઉદ્યોગ વિભાગના સેક્રેટરી તથા શિક્ષણ સેક્રેટરી તરીકે સફળતાપૂર્વક કામગીરી બજાવી ચૂક્યા છે. વળી ગુજરાતમાં ડાંગ, ભરુચ અને વડોદરા જિલ્લામાં સફળ કલેક્ટર પણ રહી ચૂક્યા છે. છેલ્લાં ઘણાં સમયથી તેઓ સંસ્કૃત સુભાષિતો અને સંસ્કૃત શ્લોકોના લેખન કાર્યમાં સક્રિય હતા. વહીવટની વાતો તથા સુભાષિત સાર નામના તેમના પુસ્તકો ખૂબ લોકપ્રિય થયા છે. આજે 97 વર્ષની ઉંમરે પણ તેઓ નિયમિત લેખનકાર્ય સાથે જોડાયેલા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application