શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૪ના ત્રીજા દિવસે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં નડોદ, મહુવર પ્રાથમિક શાળા અને શ્રી એસ.એમ.કે.આર.વશી મહુવર હાઇસ્કુલ ખાતે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, સૌને શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહન મળે તેવા ઉમદા આશય સાથે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩થી રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો.
શાળા પ્રવેશોત્સવથી છેવાડાની શાળાઓ સુધી સુવિધાઓ પહોંચાડવાનો સરકારશ્રીનો પ્રયાસ છે. મંત્રીશ્રીએ દરેક બાળકોને પોતાના નિર્ધારિત કરેલા લક્ષ્ય સાથે આગળ અભ્યાસ કરવા જણાવ્યું હતું. બાળકોના વાલીઓ અને ઘરના સભ્યો તથા શિક્ષકોએ બાળકોના અભ્યાસ-શિક્ષણમાં કોઇ પાછળ ન રહી જાય તે જોવા મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું. વાલીઓ-શિક્ષકો બાળકો પ્રત્યે વધુ જાગૃત બની તેમના ભવિષ્ય બનાવવાનું સામાજિક દાયિત્વ નિભાવવા અને વાલીઓએ બાળકોને નિયમિત રીતે શાળાએ મોકલવા તથા પોતે પણ સમયાંતરે શાળાની મુલાકાત લેતા રહેવા ખાસ અનુરોધ કર્યો હતો.
મંત્રીશ્રીએ શાળાના બાળકો સાથે વાર્તાલાપ કરી, શાળામાં સ્વચ્છતા જાળવવા, શાળાએ નિયમિત આવવા, અભ્યાસમાં હોશિયાર બનવા પ્રોત્સાહિત કર્યા હતાં. મંત્રીશ્રીએ બાળકોને કોમ્પ્યુટર લેબ, શૌચાલયની સુવિધા અને મધ્યાહન ભોજન અને શિક્ષકો દ્વારા અપાતા શિક્ષણ અંગે જાણકારી મેળવી હતી. મંત્રીશ્રીએ બાળકો પાસે કવિતાઓ, બાળગીતો ગવડાવી, એબીસીડી બોલાવી બાળકોની ક્ષમતાની ચકાસણી કરી હતી. આ પ્રસંગે મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે આંગણવાડી અને શાળાના પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓને પુસ્તકો અને યુનિફોર્મ સહિતની શૈક્ષણિક કિટ વિતરણ કરી શાળા પ્રવેશ કરાવ્યો હતો.
આ ઉપરાંત સો ટકા હાજરી, રમત ગમત, અભ્યાસ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને રાજયકક્ષાની પરિક્ષાઓ સહિત વિવિધ ક્ષેત્રમાં પહેલા, બીજા અને ત્રીજા ક્રમે આવેલા તેજસ્વી તારલાઓને મહાનુભાવોના હસ્તે સ્મૃતિભેટ આપી પ્રોત્સાહિત કરાયા હતા. કાર્યક્રમના અંતે મંત્રીશ્રી સહિત મહાનુભાવોએ શાળાની કોમ્પ્યુટર લેબ, વર્ગખંડો, શાળા પરિસર, સહિતની સુવિધાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. આ સાથે મંત્રીશ્રીએ શાળા કેમ્પસમાં વૃક્ષનું વાવેતર કરી સૌને પર્યાવરણ જતન સંવર્ધન માટે સંદેશ પાઠવ્યો હતો.
શાળાની મુલાકાત બાદ શિક્ષકો અને ઉપસ્થિત વાલીઓ સાથે એસએમસી કમીટીની બેઠક કરી શાળા બાબતે જરૂરી ચર્ચામાં ભાગ લીધો હતો. નડોદ પ્રાથમિક શાળા બાલવાટીકામાં પ્રવેશપાત્ર બાળકોમાં કુલ-૧૦, ધોરણ-૧ માં કુલ-૧૦ બાળકો, અને આંગણવાડીમાં કુલ-૦૩ બાળકો, મહુવર પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં કુલ-૨૬ બાળકો, ધોરણ-૧ માં કુલ-૧૧ અને આંગણવાડીમાં કુલ-૧૫, બાળકો જયારે એસ.એમ.કે.આર.વશી હાઇસ્કુલ મહુવર ખાતે કુલ-૨૯૦ વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓએ ટેકનોલોજી અને પર્યાવરણની જાળવણી સહિત અગત્યના વિષય ઉપર વક્તવ્ય રજુ કર્યું હતું. શાળાના બાળકો દ્વારા સ્વાગત ગીત, પ્રાર્થના પ્રસ્તુત કરી મહાનુભાવોને શાળામાં આવકાર્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500