સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા હિંમતનગર-અમદાવાદ હાઇવે પર આવેલી એક હોટલ પર પાર્ક કરેલી ટ્રકમાંથી રૂપિયા 2.75 લાખની કિંમતની 1488 બોટલ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. બનાવ અંગે પાયલોટીંગ કરી રહેલી જીપ અને મીની ટ્રક સહિત કુલ 23 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. રાજસ્થાનના બુટલેગરો દ્વારા ટ્રકમાં મેડિકલ સાધનોની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને અમદાવાદ લાવવામાં આવી રહ્યો હતો અને દારૂ ખરીદનાર મળે તે માટે રાહ જોવામાં આવી રહી હતી.
દારૂના જથ્થાને અમદાવાદ સુધી પહોંચાડવા માટે બુટલેગરો દ્વારા પાયલોટીંગ પણ કરવામાં આવતું હતું. ત્યારે આ સમગ્ર કાંડનો ભાંડો ફૂટી ગયો હતો અને સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે, રાજસ્થાનથી એક મીની ટ્રકમાં દારૂનો જથ્થો લઇને આવી રહેલી ટ્રક હિંમતનગર-અમદાવાદ હાઇવે પર આવેલ આશાપુરામાં ચામુંડા ઢાબાના પાકગમાં છે અને તે ટ્રકને પાયલોટીગ કરવા માટે એક જીપ પણ છે. જેના આધારે પોલીસે રાતના સમયે દરોડો પાડયો હતો.
જેમાં પોલીસે ટ્રકમાંથી દારૂ મળી આવ્યો હતો. જે અમદાવાદ લઇ જવાનો હતો. જે અંગે પોલીસે અશોક ગુર્જર, વિજય ર્ગુ્જર, સુલતાન ગુર્જર, રામસગુન ગુર્જર, મુલચંદ જાટની ધરપકડ કરી હતી, જ્યારે દારૂ મોકલનારનું નામ ભગવતા મીણા હોવાનું જાણવા મળ્યું હતું. બનાવ અંગે ચિલોડો પોલીસ મથકે ગુનો દાખલ કરીને દારૂ અને ટ્રક મળી 23 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જ્યારે દારૂ મોકલનાર શખ્સની પણ શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500