કેન્દ્રશાસિત પ્રદેશ લદાખથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. સૈન્યના અધિકારીઓના જણાવ્યાનુસાર જવાનો લદાખનાં દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં ટેન્ક દ્વારા નદી પાર કરવાનો અભ્યાસ કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક જળસ્તર વધી જતાં ટેન્ક નદીમાં ડૂબી ગઈ હતી. આ ઘટનામાં પાંચ જવાન શહીદ થઇ ગયાના અહેવાલ છે. આ ઘટનાને લઈને દુ:ખ વ્યક્ત કરતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે 'X' પર લખ્યું કે, 'લદાખમાં નદી પાર કરતી વખતે એક દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટનામાં ભારતીય સૈન્યના પાંચ બહાદુર જવાનોના જીવ ગુમાવવાથી ખૂબ જ દુઃખ થયું છે.
શોકની આ ઘડીમાં શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના છે. દેશ તેમની સાથે મજબૂતીથી ઊભો છે.' માહિતી અનુસાર, ભારતીય સૈન્યના જવાનો સાથે આ દુર્ઘટના ચીન સાથે જોડાયેલી વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) નજીક દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં બની હતી. આ સ્થળ કારાકોમર રેન્જમાં આવેલું છે, જ્યાં ભારતીય સેનાનો બેઝ પણ છે. સૈન્ય અધિકારીઓએ કહ્યું છે કે, લદાખમાં એલએસી નજીક અચાનક આવેલા પૂરથી સૈન્યના જવાનો નદીમાં વહી ગયા હતા.
આ તમામ મૃતદેહ શોધી કાઢવામાં આવ્યા છે. આ મૃતકોમાં એક જોઈન્ટ કમિશન્ડ ઓફિસર (જેસીઓ) સહિત કુલ ચાર જવાન સામેલ છે. સૈન્યની ટેન્ક નદીના એક ઊંડા ભાગમાંથી પસાર થઇ રહી હતી ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. જોકે હજુ સુધી કોઈ અથડામણના અહેવાલો મળ્યાં નથી. માહિતી મુજબ એલએસી નજીક એક ટી-72 ટેન્ક દ્વારા નદી કેવી રીતે પાર કરવામાં આવે છે તેના પર અભ્યાસ ચાલી રહ્યો હતો અને તે સમયે જ કરુણાંતિકા સર્જાઈ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500