આંધ્રપ્રદેશનાં તિરૂપતિ ખાતે મોટી દુર્ઘટના બની હતી. જેમાં આંધ્રપ્રદેશનાં તિરૂપતિનાં રેનીગુંટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બિલ્ડિંગમાં આગ લાગી હતી. બિલ્ડીંગમાં આગ લાગવાને કારણે એક ડોક્ટર અને બે બાળકો સહિત 3 લોકોનાં મોત થઈ ગયા હતા. અકસ્માતનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળેલ હતું. જયારે ઘટના સવારે 3:00થી 4:00 વાગ્યાની વચ્ચે બની હોવાની માહિતી મળી હતી.
બનાવની વિગત એવી છે કે, ડો.રવિશંકર રેડ્ડીનું રેનીગુંટામાં આવાસ હતું જ્યાં તેઓ તેમના પરિવાર સાથે રહેતા હતા. તેમના નિવાસ સ્થાનનાં ગ્રાઉન્ડ ફ્લોર પર, ડો.રેડ્ડીએ એક ક્લિનિક ખોલ્યું હતું જ્યાં તેઓ દર્દીઓને જોતા હતા. બિલ્ડિંગનાં ગ્રાઉન્ડ ફ્લોર પર જ્યાં ડોક્ટર રવિશંકર રેડ્ડી દર્દીઓની સારવાર કરતા હતા તે જ બિલ્ડિંગના બીજા અને ત્રીજા માળે તેમનો પરિવાર રહેતો હતો.
રેનીગુંટા પોલીસ સ્ટેશનનાં ઈન્સ્પેક્ટર આરોહણ રાવના જણાવ્યા પ્રમાણે સવારે લગભગ 3:00થી 4:00 વાગ્યાની વચ્ચે તેમને ફોન કોલ દ્વારા સૂચના મળી હતી કે, એક બિલ્ડિંગમાં આગ લાગી ગઈ છે. તેમણે જણાવ્યું કે, બિલ્ડિંગમાં આગ લાગવાની સૂચના મળતા જ અમે તાત્કાલિક ફાયર બ્રિગેડને એલર્ટ કર્યું હતું અને ત્યાં પહોંચીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.
રેનીગુંટા પોલીસ સ્ટેશનનાં ઈન્સ્પેક્ટરનાં જણાવ્યા અનુસાર પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ ઓલવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. રાહત અને બચાવ કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી. જ્યાં આગ લાગી હતી તે બિલ્ડીંગમાંથી ડો.રવિશંકર રેડ્ડીની માતા અને તેમની પત્નીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
પોલીસ અધિકારીનાં જણાવ્યા પ્રમાણે ડોક્ટર રવિશંકર રેડ્ડી અને તેમના બે બાળકોને પણ રેસ્ક્યુ કરી સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયું હતું. ડોક્ટર રવિ શંકર રેડ્ડી 100 ટકા સળગી ગયા હતા. ડોક્ટર રેડ્ડી સાથે જ આ ઘટનામાં તેમનો 12 વર્ષનો પુત્ર અને 7 વર્ષની પુત્રીનું પણ મોત થઈ ગયું હતું.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, કેસ દાખલ કરી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું સામે આવી રહ્યું છે. પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે ડોક્ટર રવિશંકર રેડ્ડી અને તેમના પુત્ર અને પુત્રીનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500