Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગ, 6 દર્દીઓના મોત

  • November 28, 2020 

અમદાવાદની શ્રેય હોસ્પિટલની જેમ રાજકોટમાં પણ મધરાતે એક કોવિડ હોસ્પિટલમાં વિકરાળ આગ ભભૂકી ઉઠતાં સારવાર માટે દાખલ દર્દીઓ પૈકી 6 ના મોત નિપજયા હતા.

 

 


રાજકોટના આનંદ બંગલા ચોક સ્થિત ઉદય કોવિડ હોસ્પિટલમાં આગની જીવલેણ દુર્ઘટના રાતે 12:30 વાગ્યા આસપાસ બની હતી. હોસ્પિટલના પ્રથમ માળે આઇ.સી.યુ.માં અચાનક આગ લાગી હતી, જે જોતજોતામાં વિકરાળ બની ગઈ હતી. આગને લઈને ભારે અફડાતફડી મચી જવા પામી હતી. કોરોના સારવાર માટે દાખલ દર્દીઓને પણ આઇસોલેશનની ચિંતા રાખ્યા વિના બહાર કાઢી લેવા પડ્યાં હતાં.

 

 


ફાયર બ્રિગેડ ટૂકડી અને પોલીસ તથા મહાપાલિકાના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. એકાદ કલાકમાં આગ તો કાબૂમાં આવી ગઈ હતી પરંતુ એ દરમિયાન કેટલાક દર્દીઓ આગની ચપેટમાં આવી ગયા હતા. હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં 11 દર્દીઓ દાખલ હતા. જેમાંથી છના મૃત્યુ નિપજયાં હોવાની પોલીસે પુષ્ટિ કરી છે તો અન્ય ત્રણની હાલત ગંભીર મનાય છે. દર્દીઓના પરિવારનો ભારે વિલાપ કરી રહ્યા હતા અને હોસ્પિટલ સંચાલકો તેમજ પ્રશાસન સામે રોષ ફેલાઈ ગયો હતો. 

 

 

 

જો કે, તંત્રએ એવો બચાવ કર્યો છે કે હોસ્પિટલમાં અગ્નિ શમનના સાધનો હતા જ તેમજ તેનો ઉપયોગ પણ કરાયું જ હતો પરંતુ આગ ફેલાઈ ગઈ હતી. અગાઉ આવા બનાવમાં વેન્ટિલેટર કારણભૂત બન્યા હતા ત્યારે આ કિસ્સામાં પણ એમ જ બન્યાની સ્થળ પર એકત્રિત લોકોના મનમાં શંકા છે, જ્યારે તંત્રનું કહેવું છે કે આગ શોર્ટ સર્કિટના લીધે લાગી હતી.

 

 


મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટની શિવાનંદ કોવીડ હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ઘટનાથી મૃત્યુ પામેલા વ્યક્તિઓ પ્રત્યે સંવેદના પ્રગટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. તેમજ આ આગ દુર્ઘટનામાં જાન ગુમાવનારા પ્રત્યેક વ્યક્તિઓના વારસદારને 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.

 

 

 

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ઘટનાની તપાસ માટે પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશને જવાબદારી સોંપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત સપ્ટેમ્બર મહિનામાં જ ઉદય શિવાનંદ હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે માન્યતા આપવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application