Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમૃતસરનાં ગુરુનાનક દેવ હોસ્પિટલમાં આગ : 600ને બચાવાયા

  • May 15, 2022 

દિલ્હીના પરાં મુંડકામાં ત્રણ માળની એક ઈમારતમાં ભયાનક આગ ફાટી નીકળ્યાના બીજા દિવસે 29  લોકો હજુ પણ લાપતા છે અને ઈમારતમાંથી કેટલાક મૃતદેહ મળી આવતાં કુલ મૃત્યુઆંક વધવાની ભીતિ સેવાઈ રહી છે. બીજીબાજુ અમૃતસરમાં ટ્રાન્સફોર્મરમાં વિસ્ફોટ થવાના કારણે ગુરુનાનક દેવ હોસ્પિટલમાં આગ લાગી હતી, જ્યાં આગ ઝડપથી ફેલાઈ હતી. જોકે, ભારે અફરા-તફરી વચ્ચે હોસ્પિટલનાં વિવિધ વોર્ડમાં સારવાર લઈ રહેલા 600થી વધુ દર્દીઓને બચાવી લેવાયા હતા.



અમૃતસરની ગુરુનાનક હોસ્પિટલમાં બપોરે 2 વાગ્યે આગ લાગ લાગતા દર્દીઓને રસ્તા પર લવાયા હતા. હોસ્પિટલમાંથી કેટલાક દર્દીઓને બહાર કાઢવા માટે બારીઓ તોડવી પડી હતી. જોકે, શનિવાર હોવાના કારણે ઓપીડીમાં દર્દીઓ નહોતા, પરંતુ હોસ્પિટલમાં 650થી વધુ દર્દીઓ દાખલ થયેલા હતા. ઓપીડીની પાછળ અને એક્સ-રે યુનિટ પાસે બે ટ્રાન્સફોર્મર હતા. આ ટ્રાન્સફોર્મરમાં અચાનક વિસ્ફોટ થયો હતો અને આગ લાગી હતી. આગે અચાનક જ વિકરાળ સ્વરૂપ લઈ લીધું હતું અને ધુમાડાના કારણે દર્દીઓનો શ્વાસ રુંધાવા લાગ્યો હતો. જોકે, બધા જ દર્દીઓને સલામત રીતે બહાર કાઢીને રસ્તા પર લવાયા હતા. અંદાજે ૬૫૦થી વધુ દર્દીઓને બચાવી લેવાતા આ હોનારતમાં મોટી જાનહાની ટળી હતી.



જોકે, હોસ્પિટલની ઈમારત ખાખ થઈ ગઈ હતી. દરમિયાન દિલ્હીના પરાં મુંડકામાં શુક્રવારે એક ઈમારતમાં આગ ફાટી નીકળ્યા બાદ 27 લોકોનાં મોત થયા હતા. કૂલિંગ ઓપરેશન દરમિયાન શનિવારે સવારે વધુ કેટલાક લોકોના મૃતદેહ મળી આવતાં આ ઘટનામાં મૃત્યુઆંક વધીને 30 થયો છે. વધુમાં આ ઘટનામાં હજુ 29 લોકો લાપતા છે. ફોરેન્સિક ટીમને ફેક્ટરીમાંથી મૃતદેહોના અવશેષો મળ્યા હોવાથી મૃત્યુઆંક વધવાની ભીતિ સેવાઈ રહી છે. ઈમારતમાં સંપૂર્ણપણે સળગી ગયેલા મૃતદેહોની ઓળખ ડીએનએ મારફત કરાશે તેમ ફોરેન્સિક ટીમે કહ્યું હતું.



ઈમારતમાં લગભગ સાત કલાકે આગ પર કાબૂ મેળવાયો હતો. જોકે, ઘટના સ્થળે બીજા દિવસે પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ હતું. ફાયર વિભાગે કહ્યું કે, ચારમાળની વ્યાવસાયિક ઈમારતમાં સંભવતઃ એસીમાં વિસ્ફોટ થવાથી આગ લાગી હશે. જોકે, ઈમારતમાં ફાયર સેફ્ટીના સાધનો નહોતા તેમજ તેની પાસે ફાયર સેફ્ટીનું સર્ટિફિકેટ પણ નહોતું. વધુમાં એક જ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ હોવાથી દુર્ઘટના સમયે લોકો માટે બહાર નિકળવું મુશ્કેલ થઈ ગયું હતું.



દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મુંડકા મેટ્રો સ્ટેશન પાસે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે મૃતકોના પરિવારજનોને 10-10 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. સાથે જ તેમણે મેજિસ્ટ્રેટ તપાસનો પણ આદેશ આપ્યો હતો.
બીજીબાજુ દિલ્હી પોલીસે વ્યાવસાયિક ઈમારતમાં સીસીટીવી કેમેરાની ફેક્ટરીના માલિક હરિશ ગોયલ અને તેના ભાઈ વરુણ ગોયલની ધરપકડ કરી છે. તેમના પિતા અમરનાથ ગોયલનું પણ આ આગમાં મોત નીપજ્યું છે. પોલીસે સીસીટીવી ફેક્ટરીના માલિકો વિરુદ્ધ આઈપીસીની વિવિધ કલમો હેઠળ એફઆઈઆર દાખલ કરી છે. આ ઈમારતના માલિક મનિષ લાકડા સામે પણ કેસ નોંધાયો છે. જોકે, તે ભાગી છૂટયો છે. તેનો પરિવાર પણ આ જ ઈમારતમાં રહેતો હતો. તેમને ગઈકાલે બચાવી લેવાયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application