Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉમરગામમાં નાણામંત્રીના હસ્તે રૂ.૩.૩૦ કરોડના ખર્ચે બનનારા એસટી બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરાયું

  • March 12, 2024 

વલસાડ જિલ્લાના ઉમરગામમાં રૂ.૩૩૦.૦૯ લાખ ખર્ચે આર.સી.સી. ફ્રેમ સ્ટ્રકચરવાળા નવિન બસ સ્ટેશનનું બાંધકામ થનાર હોવાથી તા.૯ માર્ચને શનિવારે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીના વરદ હસ્તે ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે નાણામંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતનું સુકાન સંભાળ્યું હતું ત્યારથી ભાષાવાદ, પ્રાંતવાદ અને જાતિવાદને નાબૂદ કરી વિકાસની રાજનીતિ શરૂ કરી હતી. ત્યારબાદ દેશનું સુકાન સંભાળતા આપણા દેશે વિકાસની જે ગતિ પકડી છે તે અભૂતપૂર્વ છે. ગુજરાત રાજ્યમાં મુસાફરોની સુવિધા માટે કુલ ૮૦૦૦ નવી નક્કોર એસટી બસો ખરીદાશે, જેમાંથી ૪૦૦૦ બસ ખરીદી પણ લેવાઈ છે. પીએમ ગતિ શક્તિ યોજના હેઠળ અનેક વિકાસના કામો ચાલી રહ્યા છે. વડાપ્રધાનશ્રીએ સમગ્ર વિશ્વને વર્ષ ૨૦૭૦ સુધીમાં ઝીરો કાર્બન કરવા માટે આહવાન કર્યુ હતું.


જે સંદર્ભે ભારત દેશમાં આ લક્ષ્યાંકને સિધ્ધ કરવા માટે જૂના વાહનો સ્ક્રેપ કરી ઈલેક્ટ્રીક વ્હીકલોનો ઉપયોગ વધારીશું તો હવામાં કાર્બન ઉત્સર્જન ઘટી જશે. હાલ વિકસિત દેશોમાં અમેરિકા અને ઈંગ્લેન્ડ કરતા આપણે આગળ છીએ અને વર્ષ ૨૦૩૦ સુધીમાં ૫૦૦ ગીગા વોટ વીજળી રીન્યુએબલ કરીશું. કોરોના કાળમાં મફત અને વેક્સિન આપી લોકોના જીવ બચાવવાનું ભગીરથ કાર્ય પાર પાડ્યું અને હાલમાં પણ એનએફએસએ રેશન કાર્ડ ધારકોને ફ્રી અનાજ મળી રહ્યું છે. વધુમાં તેમણે ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરની રજૂઆતને ધ્યાનમાં લઈ ઉમરગામ તાલુકાને એસટી ડેપો મળે તે માટે પ્રયત્ન કરીશું એવી ખાતરી આપી હતી. આ અવસરે ઉમરગામના ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરે જણાવ્યું કે, આ નવા બસ સ્ટેશનનું નિર્માણ થવાથી ઉમરગામ તાલુકાની વિકાસ ગાથામાં પીછુ ઉમેરાયું છે. એસટી એ ગરીબ માણસનું સ્વ સાધન છે.


જે ગામમાં એક હજારની વસ્તી હોય તે ગામમાં રાત્રિ દરમિયાન બસ હોલ્ટ કરે છે જેથી કોઈ ઈમરજન્સી હોય તો અડધી રાત્રે તેને પહોંચી વળાય. પ્રજાની સુવિધામાં વધારો કરવાનો રાજ્ય સરકારનો ઉદેશ્ય સાર્થક થઈ રહ્યો હોવાનું જણાવી વધુમાં મંત્રીશ્રીએ કહ્યું કે, દ્વારકા અને સોમનાથ સહિતના ધાર્મિક સ્થળોના દર્શન માટે એસટી નિગમ દ્વારા વિશેષ સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. વધુમાં ધારાસભ્યશ્રીએ સામાજિક જવાબદારી કર્તવ્યના ભાગરૂપે એસટી નિગમ નિભાવી રહ્યું હોવાનું જણાવી કહ્યું કે, ઉમરગામ તાલુકામાં પાંચ લાખની વસ્તી છે. જેમાંથી ૩.૫૦ લાખ તો કામદારો છે. જેઓને ટ્રેન સાથે કનેકશન ધરાવતી એસટી બસો નિયમિત દોડે એ જરૂરી છે. આ સિવાય વિદ્યાર્થીઓને પાસમાં રાહત અપાતા ફાયદો થઈ રહ્યો છે. ગુજરાતી પ્રાથમિક કેન્દ્ર શાળા અને કન્યા શાળા ઉમરગામની બાળાઓએ પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કર્યુ હતું.


સ્વાગત પ્રવચન વલસાડ એસટીના વિભાગીય નિયામકશ્રી એન.એસ.પટેલે કર્યુ હતું. જ્યારે આભારવિધિ એસટીના ડિવિઝનલ મિકેનિકલ એન્જિનિયર એન.એફ.સિંધીએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ફણસા વાડિયા હાઈસ્કૂલના શિક્ષિકા બીનાબેન પટેલે કર્યુ હતું. બોક્ષ મેટર નવા બસ સ્ટેશનમાં મુસાફરો અને કર્મીઓ માટે આ સુવિધાઓ ઉપલબ્ધ કરાશે આગામી ૧૧ માસમાં તૈયાર થનારા આ નવીન બસ સ્ટેશન પર મુસાફર જનતા કર્મચારીઓ માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. કુલ ૩૦૮૬.૦૦ ચો.મી જમીન વિસ્તાર પર નિર્માણ થનાર આ બસ સ્ટેશનમાં બાંધકામ વિસ્તાર ૪૫૨.૪૧ ચો.મી. છે. ચાર પ્લેટફોર્મ, મુસાફરો માટે બેઠક વ્યવસ્થા માટેનો વેઈટીંગ હોલ, કંટ્રોલ રૂમ, સ્ટેન્ડ ઈન્ચાર્જ રૂમ, વોટર રૂમ, ઈલેક્ટ્રીક રૂમ, બે સ્ટોલ, ડ્રાઈવર કંડકટર માટે શૌચાલય સાથેનો રેસ્ટ રૂમ, મહિલા કર્મીઓ માટે લેડીઝ રેસ્ટરૂમ/ બેબી ફીડીંગ રૂમ શૌચાલય સાથે, મુસાફર જનતા માટે સ્ત્રી અને પુરૂષ શૌચાલય, સરકયુલેશન વિસ્તારમાં સી.સી. ટ્રી-મીક્ષ ફલોરીંગ અને વિકલાંગ વ્યક્તિઓ માટે સ્પે. પ્રકારના શૌચાલય તથા સ્લોપીગ રેમ્પની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application