ભરૂચનાં ઝઘડિયા તાલુકામાં એક કંપનીમાં વહેલી સવારે જોરદાર બ્લાસ્ટ (blast) થયો હતો. સમગ્ર ઘટનામાં કંપનીના 32 કામદાર ઈજાગ્રસ્ત થયા, 2 કર્મચારીઓના મોત થયા તથા 5 કર્મચારીઓ લાપતા. આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે, 20 કિલોમીટરના રેડિયસમાં બ્લાસ્ટનો અવાજ સંભળાયો હતો. બ્લાસ્ટને પગલે ધાડેડા, ઝઘડિયા અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપ જેવો ઝાટકો અનુભવાયો હતો.
ઝઘડિયા જીઆઇડીસી સ્થિત યુપીએલ કંપનીમાં ધડાકા સાથે બોઇલર ફાટવાની ઘટના બની હતી. આ બ્લાસ્ટ સાથે ભીષણ આગ ફાટી નીકળી હતી. કંપનીના સીએમ પ્લાન્ટમાં આ ઘટના બની હતી. જેમાં કંપનીમાં કામ કરતા 32 જેટલા કામદાર ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્ત કામદારોને અંકલેશ્વરની જયાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જયારે વધારે ગંભીર ઈજાગ્રસ્તોને વડોદરાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. ઘટનાને પંદર કલાક બાદ કાટમાળમાંથી દબાયેલા 2 કર્મચારીઓના મૃતદેહ મળ્યા હતા. જયારે હજુ સુધી 5 લોકો લાપતા હોવાથી તેમની શોધ-ખોળ ચાલુ છે.
લાપતાં કર્મચારીઓ
1.કૃણાલ જયંતિભાઈ પટેલ(કંપની કર્મચારી), 2.કેતન ગેવરીયા(કંપની કર્મચારી), 3.કુંવારલાલ કોમલ કાસડેકર(કોન્ટ્રકટ કામદાર), 4.મણીરામ સંતુલાલ ઠિકરે(કોન્ટ્રકટ કામદાર), 5.કમણ લક્ષ્મણ પાનસે(કોન્ટ્રકટ કામદાર).
મરણ પામનાર કર્મચારીઓ
1.વનરાજસિંહ સુરેન્દ્રભાઈ ડોડિયા(કંપની કર્મચારી), 2.નેહલ અતુલભાઈ મહેલા(કંપની કર્મચારી).
કંપનીને અડીને આવેલા દધેડા, ફુલવાડી, કરલસાડી ગામોમાં ધડાકાના કારણે લોકોના ઘરોના કાચ તૂટ્યા છે અને ભૂકંપ આવ્યો એ બીકે લોકો ઘરોની બહાર દોડી આવ્યા હતા. ધડાકા બાદ ભીષણ આગ લાગતા ફાયર-બ્રિગેડની ટીમ તાત્કાલિક દોડતી થઈ હતી. બ્લાસ્ટ મોટો હોવાથી ફાયર-બ્રિગેડની ટીમનો કાફલો ઘટના સ્થળે પહોંચીને આગ બૂઝવવાની કામગીરીમાં લાગી ગઈ હતી. બ્લાસ્ટ બાદ ફેક્ટરી એન્ડ હેલ્થ વિભાગ તેમજ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ઘટના સ્થળે દોડી આવેલા મામલતદાર જે.એ.રાજવંશીએ ઈજાગ્રસ્ત કર્મચારીઓના પરિવારને સંતાવાના આપી હતી. ત્યારે આગ હોનારતની ઘટનાને પગલે ફેક્ટરી ઇન્સ્પેકટર દ્વારા યુપીએલ કંપનીને તાત્કાલિક કંપની બંધ કરવા નોટીશ ફટકારી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500