સુરત શહેરનાં કડોદરા વિસ્તારમાં GIDCમાં આવેલ મહેશ ડાઇંગ મિલમાં ગતરોજ રોજ ભીષણ આગ લાગી છે. આ આગ એટલી ભીષણ હતી કે, તેની જવાળાઓ ઊંચે સુધી ઉઠી હતી, જેને દૂરથી પણ જોઈ શકાતી હતી. આગ ઓલવવા માટે 10થી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મળતી માહિતી મુજબ, સવારે કડોદરા GIDCની મહેશ ડાઈંગ મિલમાં આગ ફાટી નીકળી છે. મિલની અંદર કેમિકલ અને કપડું હોવાના લીધે આગ ખૂબ જ ઝડપથી પ્રસરી હતી અને સમગ્ર મિલને ઝપેટમાં લઈ લીધી હતી.
આગ પર કાબુ મેળવવાની કોઈ શક્યતા ન દેખાતા કારીગરો બહારની તરફ દોડી ગયા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ભીષણ આગ પર કાબુ મેળવવા માટે બારડોલી, પીઇપીએલ, કામરેજ સહિત 10થી વધુ ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવીની આગને પ્રસરતી અટકાવવાની સાથે તેની પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. દરમિયાન મહેશ ડાઈંગ મિલમાં આગ લાગવાની ઘટનાને પગલે કડોદરા જીઆઈડીસી વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આગ એટલી ભીષણ હતી કે મિલના પતરાના શેડ પણ બળવા લાગ્યા હતાં. તેથી લોકો ગભરાયા હતા. જોકે સમગ્ર આગને લઈને કોઈ ઈજા જાનહાનિ પ્રાથમિક તબક્કે સામે આવ્યાં નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500