મહારાષ્ટ્રથી ગુજરાતમાં લાવવામાં આવતા ખેરના લાકડાના નેટવર્કને નાબૂદ કરવા ફતેપુર રેંજના વન અધિકારીઓએ મહારાષ્ટ્ર ગુજરાત સરહદે વોચ ગોઠવતા બાતમીવાળા ટેમ્પાનો પીછો કરતા ઘોટવળના ઘાટ નજીક ટેમ્પો ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગૂમાવતા ડિવાઈડર સાથે અથડાઈને અટકી ગયો હતો અને પીકઅપ ટેમ્પોમાંથી રૂપિયા 76,920/-ની કિંમતના ખેરના લાકડા મળી આવ્યા હતા.
વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, ફતેપુર રેન્જ આર.એફ.ઓ.ને મળેલી બાતમી આધારે ટુકવાડા રાઉન્ડ ફોરેસ્ટર જે.એ. પવાર સહિતની ટીમે મહારાષ્ટ્ર બોર્ડર ઉપર વોચ ગોઠવી હતી. અને તે દરમિયાન વહેલી સવારે 4.30 કલાકે પિકઅપ નંબર MH/43/BB/0220 આવી પહોંચતા અટકાવવાનો પ્રયાસ કરતા ચાલકે ટેમ્પો ભગાવી દીધો હતો. જોકે ઘોટવળ નજીકના ઢાળવાળા માર્ગ ઉપર ઘાટ નજીક સ્ટેરીંગ ઉપરથી કાબૂ ગુમાવતા ટેમ્પો ડિવાઈડર સાથે અથડાઈને અટકી ગયો હતો અને ચાલક અંધારાનો લાભ લઈ ભાગી છૂટયો હતો. જયારે વન અધિકારીઓએ ટેમ્પામાંથી રૂપિયા 76,920/-ની કિંમતના છોલેલા ખેરના 19 નંગ ચોરસા કબજે કર્યા હતા. વન વિભાગે રૂપિયા 1 લાખના પિકઅપ ટેમ્પો સહિત કુલ રૂપિયા 1,76,920/- કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.(ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500