દેશના પ્રખ્યાત ફેશન ડિઝાઇનર રોહિત બલનું 63 વર્ષની વયે નિધન થયું છે. ફેશન ડિઝાઈન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ સોશિયલ મીડિયા પર રોહિતના મૃત્યુની માહિતી આપી છે. રોહિત લાંબા સમયથી હૃદય સંબંધિત બિમારીથી પીડાતા હતા અને તેમને ICUમાં દાખલ કરાયા હતા. તેમણે છેલ્લે લેક્મે ઈન્ડિયા ફેશન વીક શો કર્યો હતો. રોહિતના નિધનના સમાચાર બાદ બી-ટાઉન સેલિબ્રિટીઓ સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. સેલેબ્સ અને ફેન્સ સોશિયલ મીડિયા પર રોહિતને અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. બીમારીના કારણે રોહિત થોડા સમય માટે ફેશનની દુનિયાથી દૂર થઈ ગયા હતા.
તેઓ છેલ્લે લેક્મે ઈન્ડિયા ફેશન વીકમાં જોવા મળ્યા હતા. આ શોમાં બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે શો સ્ટોપર બની હતી. રોહિત રેમ્પ કરવામાં સમસ્યા થઈ હતી, ત્યારે તેમની સ્થિતિ જોઈ ચાહકો રોહિતની તબિયતની ચિંતા કરવા લાગ્યા હતા. રોહિત 63 વર્ષના હતા. રોહિત બાલ ગત વર્ષથી હૃદયની બીમારીઓ સામે ઝઝુમી રહ્યા હતા. તેમને નવેમ્બર-2023માં ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલના ICUમાં દાખલ કરાયા હતા. ત્યારબાદ આ વર્ષની સરૂઆતમાં તેઓ ફરી ફેશન શોની દુનિયામાં જોવા મળ્યા અને દિલ્હીમાં યોજાયેલા લેક્મે ઈન્ડિયા ફેશન વીકમાં ભાગ લીધો હતો.
તેમના નિધન પર ફેશન ડિઝાઇન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ શોક વ્યક્ત કર્યો છે. રોહિતને અગાઉ 2010માં પણ હાર્ટ એટેક આવ્યો હતો. રોહિતની ગણના બોલીવૂડના ટોચના ફેશન ડિઝાઈનર તરીકે થાય છે. અમિતાભ બચ્ચન પોતાના ટીવી શોમાં રોહિતના ડિઝાઈન કરેલા સૂટસ ધારણ કરી ચૂક્યા છે. ઐશ્વર્યા, કરીના, કાજોલ, સોનમ, પૂજા હેગડે સહિતની અનેક સેલિબ્રિટિઓના તેઓ માનીતા ડિઝાઈનર છે. આ ઉપરાંત પામેલા એન્ડરસન તથા સિન્ડી ક્રોફર્ડ જેવી હોલીવૂડની હસ્તીઓ પણ તેમની પાસે વસ્ત્રો ડિઝાઈન કરાવી ચૂકી છે. ટાઈમ મેગેઝિન દ્વારા રોહિતને ભારતના ફેશન તથા ફેબ્રિકના માસ્ટર તરીકનો ખિતાબ આપવામાં આવી ચૂક્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500