ગાંધીનગર ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ઊંઝામાં કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં લાખોની કિમતનું નકલી જીરું ઝડપી પાડવામાં આવ્યું હતું. વિભાગ દ્વારા ચેતન પ્રમોદભાઈ દરજી નામની પેઢી પર દરોડા પાડવામાં આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન રૂ. 12 લાખનું નકલી જીરું સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. લૂઝ વરિયાળી, લૂઝ જીરું, મિક્ષ પાવડર અને ગોળની રસી સીઝ કરવામાં આવી હતી.
રાજ્યના નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો મળી રહે તે માટે રાજ્ય સરકાર હરહંમેશ પ્રયત્નશીલ છે. આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મસાલા સહિતની જીવનજરૂરી ખાદ્ય ચીજવસ્તુઓનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ પરીક્ષણ દરમિયાન ખાદ્યપદાર્થોમાં કોઈ ભેળસેળ જણાય તો તેવા તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે. તાજેતરમાં જ મોરબી જિલ્લાના હળવદ ખાતે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા વરિયાળીમાં થતું ભેળસેળનું કૌભાંડ પકડી પાડવામાં આવ્યું છે, જેમાં વરીયાળી અને કલરનો મળી રૂ. 1.13 કરોડની કિંમતનો આશરે 59 હજાર કિલોગ્રામ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર એચ. જી. કોશિયાએ જણાવ્યું છે.
ગાંધીનગર ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા રાજ્યમાં સુરત, રાજકોટ, અમદાવાદ, વડોદરા સહિત અલગ અલગ જગ્યાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ રેડ દરમિયાન અનેક અખાદ્ય અને ભેળસેળ યુક્ત મસાલા મળી આવ્યા હતા. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા મસાલામાં મિલાવટ કરનારાઓ પર તવાઈ ઉતારવામાં આવી છે. અગાઉ કરાયેલી રેડમાં હળદર પાવડર, મરચાં પાવડર સહિતનો સમાન મળી આવ્યો હતો અને જે તે પેઢી કે વેપારી સામે દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500