દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા શહેરોમાંથી વરસાદના કારણે વિનાશના સમાચારો મળી રહ્યા છે. ત્યારે જયારે દિલ્લીમાં રેકોર્ડ બ્રેક વરસાદ પડ્યો હતો, તો હિમાચલમાં કુલ્લુ અને શિમલામાં પણ આભ ફાટ્યું છે. જેમાં લગભગ 44 લોકો ગુમ છે તો 11 લોકોના મોત થયા હોવાનું કહેવાય છે. કેદારનાથમાં ભયાનક ભૂસ્ખલનની ઘટના બાદ હવે કુલ્લુમાં પણ આભ ફાટવાં અને ભયાનક ભૂસ્ખલન થયાની ઘટના સામે આવી છે. જેના લીધે વિનાશના દૃશ્યો સર્જાયા છે. સૌથી વધુ નુકસાન અહીં નિરમંડ ઉપમંડલના બાગીપુલ વિસ્તાર થયું હતું. અહીં લગભગ 9 જેટલાં મકાન ભૂસ્ખલનની લપેટમાં આવી ગયા હતા. જેના લીધે એક આખો પરિવાર એટલે કે ચાર લોકો મકાન સહિત ભૂસ્ખલનમાં વહી ગયા હતા. થલતુખોડમાં ફસાયેલા લોકો સુધી પહોંચવું મુશ્કેલ હોવાથી એરફોર્સની સાથે NDRF પાસેથી પણ મદદ લેવામાં આવી છે.
હિમાચલ પ્રદેશના શિમલા અને કુલ્લુ જિલ્લાના રામપુરને અડીને આવેલા 15-20 વિસ્તારોમાં વાદળ ફાટવાથી ભારે વિનાશ થયો છે. મળતી માહિતી મુજબ શ્રીખંડની પહાડીઓ પર આવેલા નૈન સરોવરની આસપાસ વાદળ ફાટવાના કારણે કુર્પણ, સમેજ અને ગણવી કોતરોમાં ભારે પૂર આવ્યું છે. હિમાચલના મંડી જિલ્લાના રાજવન ગામમાં મોડી રાત્રે વાદળ ફાટવાને કારણે તબાહી મચી ગઈ છે. પાણીના જોરદાર પ્રવાહથી અનેક ઘરો ઘરાશાયી થયા છે. આ ઘટનામાં એકનું મોત થયું છે. જ્યારે 10થી વધુ લોકો ગુમ થયાના અહેવાલ છે. અંતરિયાળ વિસ્તારને કારણે પંચાયતના પ્રતિનિધિઓ અને અધિકારીઓનો સંપર્ક કરી શકતું નથી. મોબાઈલ સેવા તથા માર્ગો પણ સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે. નોંધનીય છે કે, મંડી બેઠકથી કંગના રણૌત ભાજપના સાંસદ છે. ઉત્તરાખંડમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે.
કેદારનાથ વિસ્તારમાં આભ ફાટવાથી મંદાકિની નદીમાં ઘોડાપૂર આવ્યું છે. જેના કારણે ગૌરીકુંડ વિસ્તારમાં અફરાતફરી સર્જાઇ છે. મંદાકિની નદીનું જળસ્તર ભયજનક સપાટીને વટાવી જતાં SDRFના જવાનોને રવાના કરવામાં આવ્યા છે. કેદારનાથ અને યમુનોત્રીના પગપાળા રૂટ પર વરસાદના કારણે યાત્રા રોકી દેવામાં આવી છે. ભક્તોને સુરક્ષિત સ્થાન પર આશરો આપવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી ધામીએ ઈમરજન્સી કંટ્રોલરૂમથી વરસાદ અંગે સમીક્ષા કરી છે. મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયામાં જાણકારી આપી છે કે, 'કેદારનાથમાં ભક્તોને સુરક્ષિત સ્થાન પર પહોંચાડી દેવામાં આવ્યા છે.' ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ કહ્યું, 'કાલે રાત્રે વાદળ ફાટવા અને ભારે વરસાદને કારણે જાનમાલનું નુકસાન થયું છે.
3 લોકોના મોત થયા છે. પુલને મોટું નુકસાન થયું છે. રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. અમે એ સુનિશ્ચિત કરીએ છીએ કે જે લોકો કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો ન પડે.' વરસાદના કારણે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના રામબાગમાં રેલવેની જૂની બાઉન્ડ્રી વોલ ધરાશાયી થઈ ગઈ છે. બાઉન્ડ્રી વોલ ધરાશાયી થવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. અંદાજે 14 ફૂટ ઉંચી બાઉન્ડ્રી વોલ ધરાશાયી થતાં અનેક વાહનો કાટમાળ નીચે ફસાયા હતા. બાઉન્ડ્રી વોલ ધરાશાયી થતાં વીજ થાંભલાને પણ નુકસાન થયું હતું. રાજસ્થાનના જયપુરમાં પણ વરસાદી માહોલ છે. શહેરના રસ્તા, એરપોર્ટ, રેલ્વે સ્ટેશન, પોલીસ સ્ટેશન, હોસ્પિટલ બધું જ નદી બની ગયું છે. ઝૂંપડપટ્ટીની વસાહતો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગઈ છે. સિવિલ ડિફેન્સની ટીમો મોટરો વડે ઘરોમાંથી પાણી ખાલી કરી રહી છે. અહીં પૂરના કારણે પિતા સહિત ત્રણ બાળકો ગુમ થયા છે. જોકે, સિવિલ ડિફેન્સને હજુ સુધી કોઈની લાશ મળી નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500