Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવી સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ એસોસિએશન દ્વારા ‘રાષ્ટ્રીય ડોક્ટર દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી

  • July 03, 2024 

નવી સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ એસોસિએશન દ્વારા ‘રાષ્ટ્રીય ડોક્ટર દિવસ’ અંતર્ગત નર્સિંગ બહેનો દ્વારા સિવિલના ૨૦૦થી વધુ તબીબોને શાલ ઓઢાડી, મોઢું મીઠું કરી ડોક્ટર દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે નર્સિંગ કાઉન્સિલના ઇકબાલ કડીવાલાએ જણાવ્યું હતુ કે, બાળકના જન્મ પૂર્વે તેમજ જન્મ બાદ આજીવન તેઓના સુખમય સ્વાસ્થ્યની તકેદારી લેતા જીવન રક્ષક-તબીબોની સેવા અને સમર્પણને બિરદાવવા ‘રાષ્ટ્રીય ડોક્ટર દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે.


‘સફેદ એપ્રન પહેરતા દેવદૂત સમાન તબીબો માનવજાતિ માટે આશીર્વાદ સમાન છે, જેની પ્રતીતિ સમગ્ર વિશ્વને કોરોના મહામારી દરમિયાન સુપેરે થઈ ચૂકી છે. તેમણે કહ્યું કે, દક્ષિણ ગુજરાતની સૌથી મોટી નવી સિવિલ હોસ્પિટલ દ્વારા લોકોના આરોગ્યની ખેવના રાખવામાં કોઈ કસર છોડવામાં આવતી નથી. તેમજ તબીબો સાથે નર્સિંગ સ્ટાફ દ્વારા જરૂરિયાતમંદ તમામ લોકોને નિઃશુલ્ક આરોગ્યલક્ષી સેવા પ્રદાન થતી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.


દર્દી અને ડોક્ટર વચ્ચેની પરસ્પર આત્મીયતાની વાત કરતા તેમણે કહ્યુ કે, ડોકટરનું એક સ્મિત દર્દી માટે દવાથી વધારે અસરકારક સાબિત થાય છે. વધુમાં કડીવાલાએ કોરોના મહામારી, રેલ કે પ્લેગ જેવી આફતના સમયે ખડેપગે રહી માનવજીવનને સંકટમાંથી ઉગારતા તબીબોની સેવાને બિરદાવી હતી. સાથે જ આરોગ્ય ક્ષેત્રે સિક્કાની એક તરફ ડોક્ટર તો બીજી તરફ નર્સને ગણાવી તેમણે તબીબી સેવાઓમાં નર્સની મહત્વની ભૂમિકા વર્ણવી હતી. તેમણે કહ્યું કે, બિમારી સાથે આવનાર દર્દીઓને ડોકટરો પારિવારીક સભ્યોની જેમ હૂંફ આપી સારવાર કરી દર્દીઓને સારૂ સ્વાસ્થ્ય અર્પણ કરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application