મધ્યપ્રદેશમાં માત્ર 6 મહિનામાં વીજળી ફરી એકવાર મોંઘી થઈ શકે છે. વીજ કંપનીઓએ સ્થાનિક વીજળીનાં ભાવમાં 3 ટકાનો વધારો કરવાની ભલામણ કરી છે. આટલું જ નહીં, પહેલીવાર મેટ્રો ટ્રેન માટે નવી વીજળી દરનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે. રાજ્યની ત્રણેય વીજ કંપનીઓએ એમપી ઈલેક્ટ્રીસિટી રેગ્યુલેટરી કમિશનને વીજળીના દરો (ટેરિફ) વધારવા માટે અરજી કરી છે. આ અરજીમાં મેટ્રો ટ્રેન માટે નવો ટેરિફ નક્કી કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.
હાલમાં એમપીમાં ડોમેસ્ટિક, નોન ડોમેસ્ટિક, રેલવે અને અન્યનો સમાવેશ કરીને 9 પ્રકારનાં દર નક્કી કરવામાં આવે છે. ભોપાલ અને ઈન્દોરમાં મેટ્રોનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. એવી અપેક્ષા છે કે, વર્ષ 2023-24 સુધીમાં મેટ્રો ભોપાલ અને જબલપુરમાં કાર્યરત થઈ જશે. આ જોતાં વીજ કંપનીઓએ પિટિશનમાં મેટ્રો માટે અપાતી વીજળીનો દર નક્કી કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. પંચમાં સુનાવણી બાદ નવા દર લાગુ કરવા માટે મંજૂરી આપવામાં આવશે.
જયારે કંપનીઓએ લગભગ 1500 કરોડનું નુકસાન જણાવીને વીજળીનાં દરો વધારવા માટે અરજી દાખલ કરી છે. જો અરજી સ્વીકારવામાં આવશે તો ફરી એકવાર વીજળીનાં દરમાં વધારો થશે. આવી સ્થિતિમાં રાજ્યમાં વીજળી 2થી 3 ટકા મોંઘી થઈ શકે છે. લાઇન લોસ અને વીજ ચોરીની ઘટનાઓને કંપનીઓ અટકાવી શકતી નથી. જેના કારણે કંપનીઓને કરોડોનું નુકસાન થાય છે. વીજળીનાં દરમાં વધારો કરીને આ ખોટની ભરપાઈ કરવામાં આવે છે. જેની અસર વીજ ગ્રાહકોને થાય છે. અગાઉ, વીજ કંપનીઓએ 4 હજાર કરોડનું નુકસાન જણાવીને વીજળીનાં ભાવ વધારા માટે અરજી કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500