ચાલો કહો જોઈએ કે સેપ્ટી, ચીડે, નીંડા, ફોકડી, હિયાલો એટલે શું ? આ શબ્દો ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સાવ અજાણ્યા હશે, પણ જો તમે નર્મદા જિલ્લાના સાગબારા કે દેડિયાપાડા તાલુકાના વિસ્તારોમાં જાઓ તો સરળતાથી સાંભળવા મળશે. દેહવાલી અને આંબુડી બોલીના શબ્દો તમે સ્થાનિક આદિવાસીના મોઢે સાંભળો તો મધમીઠા લાગ્યા વિના રહે નહીં. મજાની વાત તો એ છે કે, આ વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળાઓ માટે ખાસ એક મોડ્યુલ બનાવી જિલ્લાની સ્થાનિક બોલીમાં શિક્ષણ આપવામાં આવે છે. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા તૈયાર કરવામાં આવેલા આ રસપ્રદ મોડ્યુલ વિશે જાણીએ એ પહેલાં ઉપર આપેલા શબ્દોના અર્થ તમને કહી દઈએ. સેપ્ટી એટલે પૂંછડી, ચીડે એટલે પક્ષી, નીંડા એટલે કપાળ, ફોકડી એટલે હરણ અને હિયાલો એટલે શિયાળો !
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોની ભરતી કરવામાં આવે ત્યારે એવું બનતું હોય છે કે, એક જિલ્લાના ઉમેદવારને અન્ય જિલ્લામાં શિક્ષક તરીકે નોકરી મળતી હોય છે. આવા સંજોગોમાં શિક્ષણ કામ તો ગુજરાતી અથવા તો જે તે વિષયની ભાષા આધારિત થતુ હોય છે. પરંતુ, બાળક અને શિક્ષક વચ્ચે સંવાદ તો સ્થાનિક બોલીમાં જ થવાનો છે. ખાસ કરીને બાળક જ્યારે શાળામાં પ્રવેશ લે ત્યારે આ વાત મહત્વની બની જાય છે. વળી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ પણ પ્રાદેશિક ભાષાને મહત્વ આપે છે. આ સમસ્યાનું સમાધાન ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા રાજ્યના ૧૭ જિલ્લામાં બોલાતી બોલીઓના મોડ્યુલ તૈયાર કરી લાવવામાં આવ્યું છે. નર્મદા જિલ્લામાં મુખ્યત્વે ચાર બોલીઓ આદિવાસીઓમાં પ્રચલિત છે.
નાંદોદમાં કાઠાલી-વસાવી, ગરૂડેશ્વર અને તિલકવાડામાં ધાનકી, દેડિયાપાડામાં આંબુડી અને સાગબારામાં દેહવાલી બોલી બોલવામાં આવે છે. જિલ્લાના પાંચ તાલુકાઓ પૈકી દેડિયાપાડા અને સાગબારામાં તો સ્થાનિકો દૈનિક વ્યવહાર આંબુડી અને દેહવાલી બોલીમાં જ કરે છે. આથી બંને તાલુકામાં આવેલી કુલ–૩૨૧ પ્રાથમિક શાળામાં ધોરણ–૧ અને ૨ના બાળકો સાથે આ બંને બોલીમાં જ શૈક્ષણિક સંવાદ સાધવામાં આવે છે. આ માટે ત્રણ હજાર કરતા પણ વધુ શબ્દોનું મોડ્યુલ તૈયાર કરવામાં આવ્યુ છે. આ બંને તાલુકાની દેહવાલી અને આંબુડી બોલીના જાણકાર એવા ૩૧ શિક્ષકો દ્વારા આ મોડ્યુલ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં બાળક સાથે સામાન્ય વાતચીત કેવી રીતે કરવીથી લઈને ગુજરાતી, ગણિતના શબ્દો-અંકને આંબુડી-દેહવાલી બોલીમાં ગ્રંથસ્થ કરવામાં આવ્યા છે.
જેમ કે, રોદીહ નિશાલુમ આવજા એટલે કે દરરોજ શાળાએ આવજો, હોવારૂ આવ-જલદી આવો, આજ કેટો ઊંગ્યાઅ વોગુર આલોહ?- આજે કોણ ન્હાયા વગર આવ્યું છે? આ મોડ્યુલમાં વ્યવહારિક વાતચિત, પ્રાર્થના સંબંધિત સુચનાઓ, ભોજન અને આરોગ્ય સંબંધિત સુચનાઓ, રમત-ગમતના મેદાન સંબંધિત સુચનાઓ, વાલી સાથેની વાતચીત, વર્ગખંડ સંબંધિત સુચનાઓ પણ આંબુડી-દેહવાલી બોલીમાં અનુવાદિત કરવામાં આવી છે. ઘોડો- કોળો, બકરી-બોકળી, બળદ-ડોગરો(બોલ્દો), દીપડો-પાટાલો વાગ્નો, ખિસકોલી- બૂટી, ધારા-અનુમાન કરો, થાળી-ઠાલો જેવા શબ્દો ઉપરાંત અંકોને પણ અનુવાદિત કરી આ મોડ્યુલમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત પોષાક, સગા-સંબંધીઓ, વાહન વ્યવહાર, ખેતી પાક-ખોરાક, રીત રિવાજો-તહેવારો, દૈનિક ક્રિયાઓ, ગીત, ઉખાણાં, જોડકણા, વાર્તા, રમતો, વર્ગખંડની સર્જનાત્મક પ્રવૃત્તિઓને પણ આંબુડી-દેહવાલી બોલીમાં આવરી લેવામાં આવી છે. આંબુડી અને દેહવાલી બોલી બહુજ મળતી આવે છે, છતાં ઘણાં શબ્દોમાં ફેર છે. ઓષ્ટીય, તાલવ્યની માત્રામાં ગુજરાતી કરતા ફેર પડે છે. નવા શિક્ષકો નર્મદા જિલ્લામાં આવે ત્યારે તેમને સરળતા રહે તે માટે તાલીમ આપવામાં આવે છે. આ વખતે દેડિયાપાડા તાલુકાના ૧૬૦ જેટલા શિક્ષકોને આંબુડી બોલી અને સાગબારા તાલુકાના ૮૨ જેટલા શિક્ષકોને દેહવાલી બોલીની તાલીમ આપવામાં આવી છે. ...છે ને મજાની વાત... હાય ને હારી ગોઠ !
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500