ઈ.સ.૨૦૦૧માં આવેલા વિનાશક ભૂકંપની ૨૩મી વરસી નજીક આવી પહોંચી છે પરંતુ એ ગોઝારા ભૂકંપની યાદ અપાવતાં ધરતીકંપના આંચકાઓ હજુ યથાવત રહ્યા છે. કડકડતી ઠંડી વચ્ચે શુક્રવારની સવારે બરાબર ૯ વાગ્યાના ટકોરે હાઇપર એક્ટિવ થયેલી વાગડ ફોલ્ટલાઇનમાં આવેલા ૪.૨ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપથી કેંદ્રબિન્દુની નજીક આવેલા ભચાઉ અને સીમાવર્તી રાપર પંથકના વિસ્તારોમાં કાચાં-પાકા મકાનો હલબલી ઊઠ્યાં હતા અને અભેરાઈઓ પર રાખેલાં વાસણો ખખડીને નીચે પડ્યાં હતાં.
ઘરની અંદર રહેલા લોકોને તેમના પગ નીચેથી જાણે જમીન ખસતી હોય તેવી ડરામણી અનુભૂતિ થતાં સૌએ ઘર બહાર દોટ લગાવતાં ૨૬મી જન્યુઆરી,૨૦૦૧માં આવેલા ભૂકંપ વખતે જોવા મળેલાં દ્રશ્યો ટાઈમ મશીન જેમ જોવા મળ્યાં હતાં. આ અંગે ગાંધીનગર સ્થિત ઈન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજિકલ રિસર્ચ સેન્ટરે આપેલી માહિતી પ્રમાણે, ૪.૨ની તીવ્રતાના ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉના ઐતિહાસિક કિલ્લાને કારણે વિશ્ર્વભરમાં જાણીતા બનેલા કંથકોટ નજીક રામવાવ-હલરા માર્ગ પર જમીનમાં માત્ર ૧૮.૫ કિલોમીટરના ઊંડાણથી ઉદભવ્યું હતું. આ ૪.૨ની તીવ્રતાના ભૂકંપ અગાઉ ગત નવેમ્બર માસમાં ૪થી ઉપરની તીવ્રતાના ત્રણ ભૂકંપના આંચકા નોંધાઈ ચુક્યા છે.
આ ઉપરાંત પાંચ દિવસ અગાઉ મહાભૂકંપનાં ઉદ્ગમસ્થાન સમી કચ્છની મેઇનલેન ફોલ્ટલાઇન નજીક ૩.૪ની તીવ્રતાનો ગગનભેદી ધડાકા સાથે આંચકો અનુભવાયો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે,ધરતીકંપ માટે અતિ સંવેદનશીલ વિસ્તારમાં આવતા કચ્છમાં આફ્ટરશોકનું પ્રમાણ અચાનક વધ્યું છે.ખાસ કરીને વાગડ ફોલ્ટ લાઈન પર તેની સંખ્યા વિશેષ રહેવા પામી છે.કચ્છમાં અવિરત આવી રહેલા આંચકાઓને લઈને બૃહદ કચ્છમાં વસતા કચ્છી પરિવારો ભારે ચિંતામાં મુકાયા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500