મહાદેવ બેટિંગ એપના ચકચારજનક પ્રકરણમાં એમ્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમે મુંબઇમાં બોલીવૂડના એક પ્રોડક્શન હાઉસ અને તેની નજીકના અન્ય પાંચ સ્થળો પર દરોડા પાડયા હતા. મહાદેવ એપના પ્રમોટર્સ દ્વારા ફિલ્મ બનાવવા માટે આ પ્રોડક્શન હાઉસને પૈસા આપવામાં આવ્યા હોવાનું કહેવાય છે. EDના સૂત્રોના જણાવ્યા મુજબ અંધેરીમાં કુરેશી પ્રોડક્શન હાઉસમાં સર્ચ ઓપરેશન દરમિયાન વસીમ કુરેશીની પૂછપરછ કરવામાં આવી હોવાની ચર્ચા થઇ રહી છે. આ સિવાય તેના પ્રવાસની અને આર્થિક વ્યવહારની વિગતો મેળવવામાં આવી હોવાનું કહેવાય છે.
ઉલ્લેખનીય છે કે, વસીમ અને તબસ્સુમ કુરેશી દ્વારા સંચાલિત કુરેશી પ્રોડક્શનને મહાદેવ એપના પ્રમોટર્સ સૌરભ ચંદાકર અને રવિ ઉપ્પલ પાસેથી ફિલ્મો માટે પૈસા મળ્યા હતા. કુરેશી પ્રોડક્શન બોલીવૂડના ટોચના સ્ટાર સાથે મોટા બજેટની ઐતિહાસિક ફિલ્મના નિર્માણમાં સામેલ છે. આ ફિલ્મ પ્રાદેશિક ભાષામાં બની રહી છે. તેને અન્ય ભાષાઓમાં ડબ કરવામાં આવશે એમ કહેવાય છે. મહાદેવ બેટિંગ એપ એક ઓનલાઇન સટ્ટાબાજીનું પ્લેટફોર્મ છે. મની લોન્ડરિંગ માટે એને ઉપયોગ કરાયો હોવાની શંકા છે. જેની તપાસ ED અને અમૂક રાજ્યોની પોલીસ કરી રહી છે.
આ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકરના યુએઇમાં આયોજીત લગ્ન અને પાર્ટીમાં સામેલ થયેલા બોલીવૂડના કલાકારોના નામ હવે સામે આવ્યા છે. આ કલાકારો EDના રડાર પર છે. એમાં સુનીલ શેટ્ટી, દીપ્તી સાધવાની, સોનુ સૂદ, સંજય દત્ત, હાર્ડી સંધુ, સુનીલ ગ્રોવર, સોનાક્ષી સિંહા, રશ્મિકાં મંધાના, સારા અલી ખાન, ગુરુ રંધાવા, સુખવિન્દર સિંહ, ટાઇગર શ્રોફ, કપિલ શર્મા, નુસરત ભરુચા, ડીજે ચેતલ, મલાઇકા અરોરા, નોરા ફતેહી, અમિત ત્રિવેદી, મૌની રોય, આફતાબ શિવદાસાની, સૌફી ચૌધરી, ડેઝી શાહ, ઉર્વશી રૌતેલા, નરગીસ ફખરી, નેહા શર્મા, ઇશિતા રાજ, શમિતા શેટ્ટી, પ્રીતિ ઝંગિયાણી, સ્નેહા ઉલ્લાલ, સોનાવી સહગલ, ઇશિતા દત્તા, એલનાઝ, જ્યોર્જિયો એડ્રિયાની અને અન્યનો સમાવેશ છે.
આ પાર્ટીમાં હાજરી આપનારા એક યુટયુબરે લગભગ એક વર્ષ પહેલા એક વીડિયો પ્રસારિત કર્યો હતો હવે તે વીડિયોની તપાસણી કરવામાં આવશે. આ વીડિયોથી પાર્ટીમાં સામેલ થયેલા બોલીવૂડના કલાકારોની ચોક્કસ માહિતી મળી શકશે એમ કહેવાય છે. મુખ્ય આરોપી સૌરભે તેના લગ્ન માટે રૂપિયા 200 કરોડ અને જન્મદિવસ તથા સક્સેસ પાર્ટી માટે રૂપિયા 60 કરોડનો ખર્ચ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500