દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિ ભારે કહી શકાય તેવો વરસાદ કલ્યાણપુર તાલુકામાં ખાબક્યો છે. જેમાં સવારે 8થી 12 વાગ્યા દરમ્યાન અનરાધાર 11 ઇંચ વરસાદ ખાબકતા કેટલાક સ્થળોએ પરિસ્થિત નાજુક બની રહી હતી અનેક ગ્રામ્ય વિસ્તારો બેટમાં ફેરવાઇ ગયા છે. ભારે વરસાદના પગલે દ્વારકા-સોમનાથ હાઇવે બંધ થઇ જવા પામ્યો હતો છેલ્લા બે દિવસ દરમ્યાન જિલ્લામાં દ્વારકા બાદ કલ્યાણપુર તાલુકામાં સૌથી વધુ વરસાદ વરસી રહ્યો છે. સાંબેલાધારે વરસાદ વરસતા બપોરે 12 વાગ્યા સુધીમાં 11 ઇંચ પાણી પડી ગયું હતું. તાલુકાના લાંબા, ભોગાત, ટંકારીયા, પાનેલી, કેનેડી વગેરે ગામોમાં પણ સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસી જતા અનેક ખેતરોનું ધોવાણ થયું હતું. ભારે વરસાદના પગલે જિલ્લા પ્રશાસન દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી.
આ માટે કલ્યાણપુર તાલુકામાં ખાસ આવેલી એનડીઆરએફની ટીમના જવાનોએ મોરચો સંભાળી અને બચાવ રાહત કાર્ય હાથ ધર્યુ હતું. ભારે વરસાદના પગલે અનેક ખતરોનું ધોવાણ થયું હતું. નીંચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા હતા. કલ્યાણપુર તાલુકાનું રાવલ ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. આ ઉપરાંત ભારે વરસાદના પગલે દ્વારકા સોમનાથ નેશનલ હાઈવે પાણી ભરાઈ જવાના કારણે બંધ થઈ ગયો છે. ભારે વરસાદના પગલે કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામે ચાર વ્યક્તિ અને ટંકારીયા ગામે ચાર વ્યક્તિને તંત્ર દ્વારા રેસ્ક્યુ મારફતે બચાવી લેવામાં આવ્યા હતા.
આ ઉપરાંત પાનેલી ગામે ભયાવહ પાણીમાં ફસાઈ ગયેલા ત્રણ ગ્રામજનોને જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર તેમજ ફાયર વિભાગ દ્વારા એરફોર્સની મદદ લઈને હેલિકોપ્ટર મારફતે રેસ્ક્યુ ઓપરેશન કરી અને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. પાનેલી ગામે ત્રણેય રેસ્કયુ કરવામાં આવેલા લોકોને તેમના પરિવારને સોંપી આપવામાં આવ્યા હતા તથા એર ફોર્સ ખાતે પ્રાથમિક કરવામાં આવી હતી. કલ્યાણપુર પંથકમાં વરસાદની વિકટ પરિસ્થિતિમાં એન.ડી.આર.એફ.ની ટીમને પણ એરફોર્સની સેવા અનિવાર્ય બની હતી. ભારે વરસાદના પગલે અનેક ગામો બેટમાં ફેરવાઈ ગયા હતા.
જેને પગલે સ્થાનિક મામલતદારની ટીમ દ્વારા સ્થળ પર જઈ અને જરૃરી કામગીરી કરવામાં આવી હતી. કલ્યાણપુર તાલુકાના હરીપર ગામે રહેતા એક સગર્ભાને દુખાવો ઉપડતા જેસીબી મશીન મારફતે આરોગ્ય સ્ટાફને આ સ્થળે પહોંચાડી તેને જરૃરી સારવાર આપવામાં આવી હતી. રાવલ ગામે સુપડાધારે વરસાદ વરસતા ગામ બેટ બન્યું હતું. ટંકારીયા ગામે બેટ બની ગયું હતું. જ્યારે લાંબા, ભાટીયા, નંદાણા, કેનેડી, ભોગાત ગામે મકાનો, દુકાનોમાં પાણી ઘુસી ગયા હતા. મેવાસર, વિરપુર, આસોટા, રાણ, લીંબડી, મહાદેવીયા સહિતના ગામોમાં ભારે વરસાદથી માઇનીંગ અને ટ્રાન્સપોર્ટેશનનું કામ બંધ થઇ ગયું હતું.
ખાણોમાં પાણી ભરાઇ ગયા હતા. હર્ષદ ગાંધવી ગામે દુકાનોમાં પાણી ઘુસી ગયા હતા. બાંકોડી પાટિયા પાસે કલ્યાણપુર-ભાટીયા હાઇવે તુટી જતા વાહન વ્યવહાર બંધ થઇ ગયો હતો. કેશવપુર ગામે તળાવનો પાળો તૂટી જતાં 7 લોકો ફસાઇ જતાં તેમને રેસ્ક્યૂ કરી બચાવાયા હતા. ભાટીયા-ભોગાત રોડ પર પાણી ફરી વળતા રોડ બંધ થઇ ગયો હતો. મીઠાપુરમાં પણ વરસાદથી રોડ-રસ્તા પર પાણી ફરી વળ્યા હતાં.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500