Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વર્ષ ૨૦૨૩ દરમિયાન સુરત જિલ્લાની ૧૫,૭૦૮ મહિલાઓએ કોલ કરી અભયમ હેલ્પલાઈનની મદદ માંગી

  • January 02, 2024 

રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહવિભાગ અને ઈ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા તા.૮મી માર્ચ-૨૦૨૧૫ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે રાજ્યવ્યાપી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન કાર્યરત કરવામાં આવી હતી, જે આજે પણ અવિરતપણે મહિલાઓની મદદગાર બની રહી છે. મહિલાઓને ઘરેલું હિંસા સહિત વિવિધ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલીઓ સમયે તાત્કાલિક ધોરણે બચાવ, સલાહ અને માર્ગદર્શન પૂરૂ પાડતી ૧૮૧ સેવા મહિલાઓ માટે સંજીવની સમાન બની છે. પીડિત મહિલાઓ માટે ૧૮૧ સેવા એક સાચી સાહેલી તરીકે દિન-પ્રતિદિન વિશ્વાસ સંપાદિત કરી રહી છે, ત્યારે વર્ષ ૨૦૨૩ દરમિયાન મહિલા હેલ્પ લાઈનમાં સહાયતા માટે સુરત જિલ્લાની ૧૫,૭૦૮ મહિલાઓના કોલ આવ્યા હતા.



જેમાં ઘરેલું હિંસાના ૭,૩૦૨, માનસિક હેરાનગતિના ૧,૮૨૧, લગ્નજીવનના વિખવાદોના ૧,૦૬૬, કાનૂની માર્ગદર્શનના ૫૩૨, કસ્ટડી ૨૪૨, અન્ય સબંધને કારણે વિખવાદના ૧,૦૬૬, માલ-મિલકતના ૧૨૪, બિનજરૂરી કોલ મેસેજથી હેરાનગતિના ૩૦૩, મહિલા કર્મચારીના ઈસ્યૂના ૨૨૧, પેરેન્ટીગ બાબતના ૧૫૫, માનસિક અસ્થિરતા અથવા મનોરોગીના ૧૪૧, માનસિક તણાવના ૯૧, સિનીયર સિટીઝનના ૩૫ કોલ આવ્યા હતા, જેમાંથી ૨,૪૪૮ જેટલાં ખાસ કિસ્સામાં અભયમ રેસ્ક્યું વાન સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મહિલાનો બચાવ અને સહાયતા કરવામાં આવી હતી. જ્યારે બાકીના કિસ્સામાં કાઉન્સેલિંગ કરી જરૂરિયાત મુજબ સરકારી કે અન્ય એજન્સીઓ સાથે સંકલન કરી ૧૮૧ સેવા મદદરૂપ બની છે.



મહિલાઓ અભયમ ટીમને અંગત સમસ્યાઓ, હિંસા કે સતામણીમાં મદદ, હલ અને યોગ્ય માર્ગદર્શન માટે વિના સંકોચે ૧૮૧ મહિલા હેલ્પલાઈનની સેવા મેળવતી થઈ હતી. અભયમની ૨૪*૭, વિનામૂલ્યે સેવા મહિલાઓ, યુવતીઓ, વિદ્યાર્થિનીઓ અને સિનિયર સિટીઝન માટે આશીર્વાદરૂપ બની છે. લગ્નજીવન અને લગ્નેતર સંબંધમાં અસરકારક કાઉન્સેલિંગ દ્વારા વિખવાદ દૂર કરી પરિવારમાં સુલેહ-શાંતિ કરવામાં આવી છે. આ ઉપરાંત, મહિલાઓ સાથે થતી શારીરિક, માનસિક કે જાતીય, કાર્યસ્થળે સતામણી, પ્રજોત્પતિને લગતી બાબતો, જાતીય તેમજ બાળજન્મ અને આરોગ્યને લગતી બાબતોમાં સુખદ સહાય અને સેવા પૂરી પાડવામાં આવી રહી છે.



ટેકનોલોજીના આ યુગમાં સોશ્યલ મીડિયા થકી હેરાનગતિ, પેરેન્ટીંગ ઈસ્યૂ, માનસિક હતાશા, મિલકત અને વેતનને લગતા કિસ્સાઓમાં યોગ્ય સમાધાન કરાવાયું છે. ઉપરાત, બાળકોના પ્રશ્નો, સિનિયર સિટીઝનને હેરાનગતિ, ઘર છોડવા મજબૂર કરવા, પડોશી સાથેના ઝઘડાઓ, તરૂણાવસ્થાના પ્રશ્નોમાં અભયમ સેવા હંમેશા પીડિતાની પડખે ઉભી રહી છે. આ ઉપરાત, ઘરેથી કાઢી મૂકેલ, ગૃહત્યાગ કે ભૂલી પડેલી મહિલાઓ સહિત બાળકોને પરિવાર સુધી પહોંચાડ્યા છે, અથવા સુરક્ષિત આશ્રય અપાવવામાં સફળતા મળી છે. એટલે જ મહિલાઓ અભયમ ટીમને અંગત સમસ્યાઓ, હિંસા કે સતામણીના મદદ, હલ અને યોગ્ય માર્ગદર્શન માટે વિના સંકોચે ૧૮૧ મહિલા હેલ્પલાઈન ની મદદ મેળવતી થઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application