Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલી અને પલસાણામાં ભારે વરસાદનાં કારણે પાણી સુરતની ખાડીમાં આવતુ હોવાથી તંત્ર એલર્ટ : અનેક ગામો પણ થયા સંપર્ક વિહોણા

  • July 23, 2024 

સુરત જિલ્લામાં શરૂ થયેલ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી અને 24 કલાકમાં મૂશળધાર વરસાદ ચાલુ રહેતા પલસાણામાં 8.5 ઇંચ, બારડોલીમાં 6 ઇંચ સહિત તમામ તાલુકામાં વરસાદથી પાણી પડતા પાણીની રેલમછેલ થઇ હતી. ભારે વરસાદનાં કારણે કોઝ-વે ઓવરટોપીંગ થવાના કારણે તથા રસ્તાઓ પર પાણી ફરી વળતા અનેક ગામો સંર્પક વિહોણા બન્યા હતા. ભારતીય હવામાન વિભાગ દ્વારા સુરત જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની થયેલી આગાહી વચ્ચે રવિવાર મોડી સાંજે છ વાગ્યાથી શરૂ થયેલો વરસાદ મોડી રાત સુધી ચાલુ રહ્યો હતો. જેના લીધે અનેક સ્થળોએ પાણી ભરાયા હતા. રવિવારે સાંજે છ વાગ્યાથી ગતરોજ સાંજે છ વાગ્યા સુધીના 24 કલાકમાં પલસાણા તાલુકામાં 8.5 ઇંચ, બારડોલી 6 ઇંચ, કામરેજ 5 ઇંચ, માંડવી, ઉમરપાડા ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો.


જેમાં પલસાણા તાલુકામાં તો સવારથી આઠ વાગ્યાથી શરૂ થયેલ વરસાદ એકધારો બપોરે ચાર વાગ્યા સુધી મનમુકીને વરસતા આ આઠ કલાકમાં જ છ સાડા છ ઇંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. બારડોલી અને પલસાણામાં ભારે વરસાદના કારણે આ પાણી સુરતની ખાડીમાં આવતુ હોવાથી પાલિકાનું તંત્ર પણ એલર્ટ થઇ ગયુ હતુ. બલેશ્વર ખાડી છલકાતા નેશનલ હાઇવે નંબર-48 ઉપર પાણી ભરાયા હતા. જેને કારણે વાહન વ્યવહારને અસર પહોંચી હતી. છેલ્લા 24 કલાકમાં સુરત શહેર અને જિલ્લામાં કુલ 1000 મિ.મિ અને સરેરાશ ચાર ઇંચ વરસાદ ખાબકતા શહેર અને જિલ્લામાં ઠેરઠેર પાણી ભરાયા હતા.


ભારે વરસાદમાં પલસાણા, બારડોલીના અનેક ગામોના ફરતે પાણી ભરાયા હતા. આજના વરસાદની સાથે જ સુરત જિલ્લાનો મૌસમનો કુલ વરસાદ 33.56 ઇંચ અને સિઝનનો કુલ 57 ટકા વરસાદ નોંધાયો છે. સુરત જિલ્લાના પલસાણા, બારડોલી, માંડવી, કામરેજ તાલુકામાં દિવસના ધોધમાર વરસાદના કારણે ચાર તાલુકાનાં 48 ગામોની ફરતે તેમજ કોઝવે ઓવરફલો થવાના કારણે તેમજ ઓવર ટોપીંગ, એપ્રોચ રોડનું ધોવાણ તથા અન્ડર પાસમાં પાણી ભરાવાના કારણે રસ્તાઓ બંધ થતા ગ્રામ્ય જીવન પ્રભાવિત થયુ હતુ. તંત્ર દ્વારા આ ગામોના લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી.


વરસાદ ચાલુ જ રહેતા તંત્ર દોડતુ થયુ હતુ. વરસાદ બંધ થયા બાદ આ રસ્તાઓ શરૂ થશે. આથી હાલ 48 ગામોની ફરતેના અનેક રસ્તાઓ બંધ થતા ગ્રામ્ય જીવનનો વ્યવહાર અટકી પડયો હતો. આ ચાર તાલુકામાં બારડોલીના 21, માંડવીના 20, પલસાણાના છ અને કામરેજ તાલુકાના એક મળીને 48 ગામોના રસ્તાઓ કટ ઓફ થયા હતા. જેમાં માંડવી- મોરીઠા કાલિબેલ રેંગામા રોડ, ઉશ્કેર મુંજલાવ બોધાન રોડ, ઉમરસાડી ખરોલી રોડ, વરજાખણ ડુંગરી રોડ, દેવગઢ, લુહારવા રોડ, દેવગઢ કોલખડી રોડ, દેવગઢ અંધારવાડી લીમ્ધા રોડ, ગોડધા લાડકુવા રોડ, ગોડસંબા કરવલ્લી ટીટોઇ સાલૈયા  વલારગઢ રોડ, અરેઠ અંત્રોલી રોડ, બૌધન વડોદ નૌગામા રોડ, કાકડવા વાઘનેરા મોરીઠા રોડ, તૂકેદ મધરકૂઇ અંત્રોલી રોડ, ફૂલવાડીથી માલ્ધા રોડ સામેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application