અમદાવાદનાં મેન્યુફેક્ચરર્સને મુંબઈને વેપારીઓ સાથે જોડતા નેશનલ હાઈવે નંબર-8 વરસાદમાં ભરાયેલા પાણીને કારણે જામ થઈ જતાં અમદાવાદથી મુંબઈ તરફ પાઠવવામાં આવેલા તમામ કન્સાઈનમેન્ટ રસ્તા વચ્ચે જ સલવાઈ ગયા છે.
જયારે ભરૂચ પોલીસે તો અમદાવાદ મેસેજ મોકલી આપ્યો છે કે, ભારે વરસાદને કારણે ચીખલીથી વલસાડ તથા મહારાષ્ટ્ર જતો નેશનલ હાઈવે સંપૂર્ણ બંધ કરી દેવાયો હોવાથી ભરૂચથી આગળ વાહનો ન જવા દેવાની સૂચના આપી દીધી છે. આ જ મેસેજ અમદાવાદનાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પણ પહોંચાડવામાં આવ્યો છે.
કચ્છથી લિગ્નાઈટ લઈને આવતી ટ્રકો પણ અટકી પડી છે. પરિણામે અમદાવાદથી મુંબઈ તરફ જતાં કેમિકલ, ફાર્માસ્યૂટિકલ્સ, ટેક્સટાઈલ્સ, ડેરી પ્રોડક્ટ્સ, એન્જિનિયરિંગ ઉદ્યોગની આઈટેમ્સ, કૃષિ ઉપજનો મુંબઈ તરફ લઈ જવા ઉપડેલી હજારો ટ્રક્સ રસ્તામાં સલવાઈ ગઈ હોવાનું ટ્રાન્સપોર્ટર્સ એસોસિયેશનના મુકેસ દવેનું કહેવું છે. તેથી જ મુંબઈ અને વાપી તરફ જતાં તમામ વાહનોને રોકી દેવાની સૂચના આપવામાં આવી છે.
જોકે સાપુતારા, વઘઈ અને ધરમપુરમાં 11 થી 15 ઇંચ જેટલો વરસાદ પડતા સિલવાસા પાસેનો મધુબન ડેમ છલકાઈ ગયો છે. તેના પાણી પણ આસપાસનાં રસ્તાઓ પર ફરી વળ્યા છે. તેથી પણ વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. બીજી તરફ કચ્છમાં ભારે વરસાદ પડતા કચ્છથી લિગ્નાઈટ લઈને ગુજરાતના જુદાં જુદાં વિસ્તારોમાં લિગ્નાઈટનો સપ્લાય પહોંચાડતી રોજ નીકળી 1500 જેટલી ટ્રકો નીકળી શકતી જ નથી.
આમ કચ્છનો ગુજરાત સાથેનો વહેવાર પણ ભારે વરસાદને કારણે સીમિત થઈ ગયો છે. બોડેલી, રાજપીપળા, નસવાડી અને ડભોઈનાં રસ્તાઓ પર પણ ભારે વરસાદને કારણે પાણી ભરાયા હોવાથી આ વિસ્તારોમાંથી પણ માલ લઈ જતી ટ્રકો ફસાઈ છે. તેમજ વાહનોની અવર જવરમાં તકલીફ પડી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500