ડાંગ જિલ્લામાં બિસમાર માર્ગોને લઈને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે, માર્ગ મકાન વિભાગનાં અધિકારીનાં જણાવ્યા મુજબ પેચવર્કનું કામ ચાલુ છે પરંતુ વરસાદને કારણે થોડો વિલંબ થઈ રહ્યો છે. રાજ્યનાં ચેરાપુંજી ગણાતા ડાંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે સ્ટેટ અને નેશનલ હાઇવેનું મોટા પ્રમાણમાં ધોવાણ થયું છે. ખાસ કરીને જિલ્લાના મુખ્ય મથક આહવાને જોડતા માર્ગો ઉપર દિવસ રાત લોકોની અવરજવર રહેતી હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડે છે.
જયારે પ્રવાસન સ્થળોએ આવતા પ્રવાસીઓ, શાળા કોલેજમાં અવર-જવર કરતા વિદ્યાર્થીઓ, સ્થાનિક રહીશો ઉપરાંત જિલ્લામાં વેપાર માટે આવતા ભારે વાહનો પણ આ માર્ગોનો ઉપયોગ કરે છે. આ વર્ષે ધોધમાર વરસાદને પગલે જિલ્લાનાં કુલ 155 કિમિ રાજ્ય ધોરી માર્ગને મોટું નુકસાન થયું છે, મુખ્ય મથક આહવાને જોડતા માર્ગ ઉપર લોકોને પડતી હાલાકીને જોતા આ રસ્તા વહેલી તકે રીપેર કરવામાં આવે એવી લોકોની માંગ છે.
જોકે લોકોને પડતી હાલાકી ને જોતા ડાંગ માર્ગ મકાન વિભાગ દ્વારા આહવાથી વઘઇ માર્ગ ઉપર પેચ વર્ક કામ ચાલુ કરવામાં આવ્યું છે અને અધિકારીનાં જણાવ્યા મુજબ જિલ્લામાં પડતા વરસાદને કારણે કામમાં વિલંબ થઈ રહયો છે. તેમ છતાં 85 ટકા પેચ વર્ક થઈ ચૂક્યુ છે વરસાદ બંધ પડતાજ તમામ માર્ગો ઉપર કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેવું અધિકારી દ્વારા જાણવા મળ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500