ગ્રેટર નોઇડાનાં એક મકાનમાં વિદેશી નાગરિકોએ બનાવેલી ડ્રગ્સ બનાવવાની લેબોરેટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે તેમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે. ગૌતમ બુદ્ધ નગર પોલીસ કમિશનર લક્ષ્મી સિંહે જણાવ્યું છે કે, આફ્રિકન મૂળનાં 9 વિદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં 200 કરોડ રૂપિયાની કીંમતનું 46 કીલોનો મેથામ્ફેટામાઇન જપ્ત કરવામાં આવ્યું છે.
વધુમાં જણાવ્યું છે કે, મેથામ્ફેટામાઇન સફેદ મૂળ રૂપમાં જપ્ત કરવામાં આવ્યું છે. ગ્રેટર નોઇડાના સેક્ટર થેટા-2માં 9 વિદેશી નાગરિકો ભાડા પર રહેતા હતાં. પોલીસે કાચો માલ પણ જપ્ત કર્યો છે. જેનાથી વધુ 100 કરોડ રૂપિયાનું મેથામ્ફેટામાઇન ઉત્પાદિત કરી શકાય તેમ હતું. પોલીસનાં જણાવ્યા અનુસાર પકડાયેલા 9 વિદેશીઓ પૈકી 8 નાઇજિરિયાના નાગરિક છે. જ્યારે એક સેનેગલનો નાગરિક છે.
જયારે જપ્ત કરવામાં આવેલા કાચા માલમાં મિથેલ આલ્કોહોલ, હાયપો ફોસ્ફરિક એસિડ, હાઇડ્રોસલ્ફ્યુરિક એસિડ, આયોડિન ક્રિસ્ટલ્સ, એમોનિયા, એફેડ્રાઇન, એસેટોન, સલ્ફર, કોપર સોલ્ટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઉચ્ચ ગુણવત્તાવાળા ફેસ માસ્ક સહિતના ડ્રગ્સ બનાવવામાં ઉપયોગમાં લેવાતા ઉપકરણો પણ જપ્ત કરવામાં આવ્યા છે.
મકાનમાં રેડ પાડનાર પોલીસ ટીમનું નેતૃત્ત્વ કરનાર ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ગ્રેટર નોઇડા) સાદ મીયા ખાનના જણાવ્યા અનુસાર દરોડા દરમિયાન વિદેશી નાગરિકોની ઓળખ અંગેના કોઇ પણ દસ્તાવેજ મળ્યા નથી. ખાને પત્રકારોને જણાવ્યું હતું કે, આ વિદેશી નાગરિકોના દેશોના દૂતાવાસને આ અંગેની જાણ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત સમગ્ર ઘટનાક્રમની જાણ એએનટીએફ (એન્ટી નાર્કોટિસ ટાસ્ક ફોર્સ) તથા એનસીબી (નાર્કોટિસ કન્ટ્રોલ બ્યુરો)ને કરી દેવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500