દશેરાના પાવન પર્વ નિમિત્તે તાપી જિલ્લાના પ્રભારી અને વન, પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ, તથા જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ અને આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, તથા ગ્રામ વિકાસ વિભાગના રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિએ, તાપી જિલ્લાના ખુશાલપુરા (વ્યારા) ખાતેની સુગર ફેકટરીના બોઇલરને પ્રજ્વલિત કરી સુગર ફેક્ટરીની શુભ શરૂઆત કરાવી હતી. આ પ્રસંગે પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલે શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, છેલ્લા ૧૮ વર્ષથી બંધ સૂગર ફેક્ટરી, તાપી જિલ્લાના ખેડૂતો માટે વિકટ પ્રશ્ન હતો.
જે અંગે મુખ્યમંત્રીશ્રી સાથે પરામર્શ કરી, આ સમસ્યાને ઓળખી ખેડૂતોના હિત માટે સરકારશ્રી દ્વારા બજેટમાં ત્રીસ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. ત્યારે આજે દશેરાના શુભ દિવસે બોઇલર પ્રજ્વલિત કરી સૂગર ફેકટરીની શરૂઆત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ૨૫ હજાર એકર જેટલી શેરડીનું વાવેતર સૂગર ફેક્ટરીમાં નોધાંયુ છે. હવે તાપી જિલ્લાના ખેડૂતોએ અન્ય જગ્યાએ જઇ શેરડી વેચવાની જરૂર નહીં પડે, અને તેમને ઘરબેઠા પોષણક્ષમ ભાવ પણ મળી રહેશે. મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, આજે સમગ્ર તાપી જિલ્લાની જનતા આ સુગર ફરી શરૂ થતા, દશેરાના દિવસે જ દિવાળી ઉજવી રહી હોય તેવી ખુશી વ્યક્ત કરી રહી છે.
સૂગરના પ્રમુખ માનસિંહભાઈ પટેલે સુગર ફેક્ટરી અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, સુગર ફેક્ટરીને શરુ કરવા માટે સરકારશ્રી દ્વારા ત્રીસ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. હયાત ફેક્ટરીમાં ૨૨ હજાર એકર શેરડી નોંધાયેલી છે. જેમાંથી ૬ લાખ ટન શેરડી મળશે. આસપાસની સૂગર ફેક્ટરીઓના સાથ સહકારથી લગભગ ચાર લાખ ટન જેટલી શેરડીનું ક્રશીંગ અહી થશે. જેનાથી આસપાસના વિસ્તારના ખેડૂતોને આ સૂગર ફેક્ટરીનો ચોક્કસ ફાયદો થશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આગામી નવેમ્બર માસમા આ ફેક્ટરીનો વિધિવત શુભારંભ મુખ્યમંત્રીશ્રીના હસ્તે થશે. આ સુગર ફેક્ટરી આવનાર સમયમાં સફળતાપૂર્વક કાર્યરત રહે તેવા અમારા સૌ સભાસદોના, અને તમામ ચેરમેનશ્રીઓના પ્રયાસ રહેશે. મંત્રીશ્રીઓએ ઉપસ્થિત સૌ સભાસદો સાથે ફેક્ટરી સાઇટની મુલાકાત લઇ સાધન સામગ્રીઓનું સ્વમુલ્યાંકન કર્યું હતું, અને ફેક્ટરી સાઇટ ખાતે સત્યનારાયણ ભગવાનની પૂજામાં પણ સહભાગી થઇ, સુગર ફેક્ટરીના માધ્યમ થકી સમગ્ર તાપી જિલ્લા અને ખેડૂતોનો વિકાસ થાય તેવી કામના વ્યક્ત કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500