સુરત જિલ્લામાં ભારે વરસાદ વરસ્યાની સ્થિતિ બાદ રોગચાળો ફેલાતો અટકાવવા માટે સુરત જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. સુરત જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય વિભાગ નાગરિકોની સલામતી માટે પૂરજોશમાં કામ કરી રહ્યું છે. જેમાં આરોગ્ય વિભાગની કુલ ૮૫૭ જેટલી મેડિકલ ટીમો દ્વારા અઠવાડિયામાં કુલ ૫,૯૩,૫૨૨ લોકોનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં આરોગ્યલક્ષી કામગીરી ચાલુ જ રહેશે. સુરત જિલ્લાના તમામ ગામો આવરી લેવામાં આવશે.
આરોગ્યલક્ષી કામગીરી અંતર્ગત જરૂરિયાત જણાતા સ્થળો પર ૧,૬૦૪ જેટલા ઓ.આર.એસના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. ૩૩,૯૫૮ ક્લોરીન ટેબલેટનું વિતરણ તથા ૪,૫૮૬ ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જિલ્લાના અનેક સ્થળો પર સ્વચ્છતાલક્ષી કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે. તથા અતિવૃષ્ટિની વિકટ પરિસ્થિતિમાં નાગરિકોને આરોગ્ય લક્ષી તમામ સુવિધાઓ મળી રહે તે માટે મોબાઈલ હેલ્થ ટીમો દ્વારા અનેક સ્થળોએ કેમ્પ કરવામાં આવી રહ્યા છે. જિલ્લાના નાગરિકોને આરોગ્યલક્ષી કોઈપણ પ્રકારની તકલીફ જણાય તો ત્વરિત નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા તથા જિલ્લા પંચાયત સુરતના કંટ્રોલરૂમ સંપર્ક નંબર ૬૩૫૭૧ ૮૬૫૩૯ પર સંપર્ક કરવા સુરત જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા અનુરોધ કરાયો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500