કલોલના પૂર્વ વિસ્તારમાં ઝાડા ઉલટીનાં કેસ નોંધાતા આ સંદર્ભે લેવામાં આવેલા અટકાયતી પગલાં અંગે જિલ્લા કલેકટરશ્રી મેહુલ કે. દવેએ સમીક્ષા કરી હતી અને તાત્કાલિક જરૂરી પગલાં ભરવા સંબંધિતોને સૂચના આપી હતી. આ સંદર્ભે કલોલના પ્રાંત અધિકારીશ્રી જૈનીલ દેસાઈ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી એ જે વૈષ્ણવ અને આરોગ્ય અધિકારીઓની ટીમે આ વિસ્તારની મુલાકાત લીધી હતી તેમજ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની મુલાકાત લઇ સારવાર સંદર્ભે માહિતી પણ મેળવી હતી. કલોલના પૂર્વ વિસ્તારની સોસાયટીઓમાં ઝાડા, ઉલટી તેમજ પેટમાં દુખાવાની ફરિયાદવાળા કેસ નોંધાતા મેડિકલ ઓફિસર અર્બન હેલ્થ સેન્ટર-૧ કલોલ અને તાલુકા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા રૂબરૂ તપાસ કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા સાત સર્વે ટીમ દ્વારા આ વિસ્તારના ૬૮૩ ઘરોનો સર્વે કરવામાં આવ્યો છે.
તેમજ ગટરના ત્રણ લીકેજ શોધી તેની તાત્કાલિક મરામત પણ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં મળી આવેલા 106 દર્દીઓમાંથી કુલ 18 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જે પૈકી ચાર દર્દીને રજા અપાઇ છે અને અન્યની તબિયત સુધારા ઉપર છે. આ વિસ્તારમાંથી પાણીના નમુના લઈને બેક્ટેરિયોલોજીકલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. બે મેડિકલ ઓફિસર અને ૩૪ પેરા મેડિકલ સ્ટાફ સાથેની કુલ ૧૭ ટીમ દ્વારા ૨૦૦ થી વધુ આરસી ટેસ્ટ કરવામાં આવ્યા છે ૨૩૪૦ જેટલી ક્લોરીન ટેબલેટનું વિતરણ કરાયું છે.
આ ઉપરાંત જિલ્લા કક્ષાએથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ કલોલ નગરપાલિકાના ચીફ ઓફિસરને આ વિસ્તારમાં જરૂર જણાય તો તાત્કાલિક ધોરણે પાણીનો સપ્લાય બંધ કરી લીકેજ રીપેર કરવા ઉપરાંત પાણીનું ક્લોરીનેશન કરવા અને પાણીની ટાંકીના તમામ વાલ્વ રિપેર કરવા ઉપરાંત કાયમી ધોરણે જમીનની સપાટીથી ઉપર લઈ જવાની વ્યવસ્થા કરવા જણાવ્યું છે. કલોલના પૂર્વ વિસ્તારમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ઉપરાંત એપેડેમિક મેડિકલ ઓફિસર, જિલ્લા એપેડેમીયોલોજિસ્ટ સહિતના આરોગ્ય અધિકારીઓએ મુલાકાત લઇ સઘન સર્વેલન્સની કામગીરી હાથ ધરી છે. હાલમાં સર્વેલન્સ દરમિયાન અન્ય કોઈ ગંભીર કેસ નોંધાયેલ નથી તેમ પણ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500