Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ધન્વંતરિ આરોગ્ય રથ તાપી જિલ્લાની દરેક બાંધકામ સાઇટ ખાતે આપશે આરોગ્યલક્ષી નિ:શુલ્ક સેવાઓ

  • December 24, 2022 

ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના સંયુક્ત ઉપક્રમે બાંધકામ શ્રમયોગીઓને નિ:શુલ્ક આરોગ્ય સેવાઓ માટે ધન્વંતરિ આરોગ્ય રથ ફાળવવામાં આવેલ છે. જેને જિલ્લા કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવે અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયા સહિત ઉચ્ચ અધિકારીઓના હસ્તે લીલી ઝંડી આપી સેવા સદન ખાતેથી ધન્વંતરિ રથને પ્રસ્થાન કરાવાયું હતું.




 “સર્વે સન્તુ  નિરામયા” બધા જ લોકો રોગ મુક્ત રહેના સુત્રને સાર્થક કરવા ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા સંયુક્ત પહેલ હેઠળ કાર્યાન્વિત ધન્વંતરિ આરોગ્ય રથની સેવાઓ બાંધકામ શ્રમિકોને તેઓના કાર્યરત જેવા કે બાંધકામ સાઇટ, કડીયાનાકા તેમજ શ્રમિક વસાહતો સુધી પહોચી આરોગ્યની પ્રાથમિક સેવાઓ પૂરી પાડવા માટે કટિબદ્ધ છે.


ધન્વંતરિ આરોગ્ય રથ અધ્યતન ટેકનોજીથી સુસજ્જ કરેલ છે, જેથી શ્રમિકોની ઓનલાઇન ડેટા એન્ટ્રી અને રજીસ્ટ્રેશન જીપીએસ દ્વારા રિયલ ટાઇમ ટ્રેકિંગ તેમજ તાલીમબદ્વ કર્મચારીઓ દ્વારા તબીબી સેવાઓ નિ:શુલ્ક પુરી પાડી શકાય. આ રથમાં લેબર કાઉન્સેલર દ્વારા શ્રમિકોને વિવિધ યોજનાઓની સંપુર્ણ માહિતી આપવામાં આવશે.આ સાથે રથ તાપી જિલ્લાના તમામ બાંધકામ સ્થળો પર સેવાઓ પુરી પાડવામાં આવશે.




ધન્વંતરિ આરોગ્ય રથમાં ઉપલ્બ્ધ સેવાઓ

બાંધકામ શ્રમિકોની નોંધણી, બાંધકામ સાઈટો,કડીયાનાકા અને શ્રમિકોની વિના મુલ્યે બાંધકામ શ્રમિક તરીકે નોંધણીએ કરી ઇ-નિર્માણ કાર્ડ કાઢી આપવાની વ્યવસ્થા, શ્રમિક પરામર્શ અને યોજનાકીય સહાયની માહિતી આપવામાં આવશે. આ ઉપરાંત વિવિધ તબીબી સેવાઓ જેમાં તાવ, ઝાડા, ઉલ્ટીની સારવાર, સામાન્ય રોગોની સારવાર, ચામડીના રોગોની સારવાર, રેફરલ સેવાઓ, નાની ઈજા તેમજ ડ્રેસિંગ વગેરેની સુવિધા, નાના બાળકોની સારવાર,સગર્ભા માતાની પ્રાથમિક તપાસ જેવી સેવાઓ આ સાથે લેબોરેટરી સેવાઓ જેમાં હિમોગ્લોબીનની તાપસ, મેલેરીયાની તપાસ, પેશાબની તપાસ, લોહીમાં સુગરની તપાસ, પ્રેગનન્સી ટેસ્ટ વગેરે સહિત ડોક્ટરની સલાહ-સુચન તેમજ જરૂરી દવાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે.




અત્રે નોંધનિય છે કે, ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા કાર્યરત ૧૪થી વધુ કલ્યાણકારી યોજનાઓ દ્વારા બાંધકામ શ્રમિકને આર્થીક સહાય આપવામાં આવશે.

આ યોજનાઓમાં મેડિકલ હેલ્થ યુનિટ (ધન્વન્તરી આરોગ્ય રથ), પ્રસૂતિ સહાય યોજના, મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના, શિક્ષણ સહાય યોજના, પી.એચડી. સુધીના ઉચ્ચ અભ્યાસ માટે યોજના, ટેબલેટ યોજના, આકસ્મિક મૃત્યુ સહાય યોજના, અંત્યેષ્ઠી સહાય યોજના, શ્રમિક અન્નપુર્ણા યોજના, વ્યવસાયિક રોગોમાં સહાય, ગો-ગ્રિન શ્રમિક યોજના, દિવ્યાંગ શ્રમિકો માટે ઇલેક્ટ્રિક ત્રી-ચક્રિય વાહન યોજના, શ્રમિક પરિવહન યોજના, શ્રી નાનાજી દેશમુખ આવાસ યોજના, હાઉસિંગ સબસીડી યોજના, વિશિષ્ટ અભ્યાસ માટેના કોચિંગ માટે આર્થિક સહાય યોજના, પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના, PMJJBY યોજના, સ્થળાંતરિત થતા બાંધકામ શ્રમિકોના બાળકો માટેની હોસ્ટેલ, સંપૂર્ણ તબીબી તપાસ યોજના જેવી વિવિધ કલ્યાણ કારી યોજનાઓ કાર્યરત છે. 



જેનો લાભ લેવા બાંધકામ શ્રમિક કરીકે નોંધણી કરાવવી જરૂરી છે. નોધણી કરાવવા અરજદારોએ નજીકના ગ્રામ પંચાયતના E-Gram સેન્ટરનો સંપર્ક કરવો અથવા નજીકના સીએસસી સેન્ટરોનો સંપર્ક કરવો અથવા તાપી જિલ્લા ખાતે કાર્યરત ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ-તાપીની કચેરી, સરકારી શ્રમ અધિકારીની કચેરી, જીલ્લા સેવા સદન, બ્લોક નં-૧૨, પાનવાળી, વ્યારા, તાપીનો સંપર્ક કરવા અથવા ફોન નં.૦૨૬૨૬-૨૨૧૦૭૦ ઉપર સંપર્ક કરી શકાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application