Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભરૂચ જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને વિકસિત ભરૂચ @ ૨૦૪૭ વિઝન ડોક્યુમેન્ટ વર્કશોપ સંપન્ન

  • August 23, 2024 

ભારતને વર્ષ ૨૦૪૭ સુધીમાં અન્ય વિકસિત રાષ્ટ્રની હરોળમાં લાવવાના નિર્ધારને પરિપૂર્ણ કરવાના હેતુથી ભરૂચ જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને ભરૂચ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે 'વિકસિત ભરૂચ @ ૨૦૪૭ વિઝન ડોક્યુમેન્ટ' અતંર્ગત જિલ્લાના અધિકારીશ્રીઓ માટેના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતુ. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ-૨૦૪૭ માટેના રાષ્ટ્રનું વિઝન રજુ કર્યુ છે, આ વિઝન મુજબ આઝાદીની શતાબ્દિ સુધીમાં દેશને વિકાસને નવી ફલક પર લઇ જવાનો છે. 'નવા ભારત'ની કલ્પના કરી દેશ અને નાગરિકોને સમૃધ્ધિને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે સામૂહિક પ્રયાસો કરવાની હાકલ કરી છે, તે વિઝનને વિકસિત ભારત @ ૨૦૪૭ તરીકે ઓળખવામાં આવે છે. રાજ્યના ઉજ્જવળ ભવિષ્ય માટે અને રાજ્યની જનતાની તમામ સુખાકારીમાં વધારો થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા વિઝન ડોક્યુમેન્ટ વિકસિત ગુજરાત@ ૨૦૪૭ તૈયાર કરવામાં આવ્યું છે.


રાજ્યનાં આ વિઝનને સાકાર કરવા માટે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ટકાઉ વિકાસને લગતા અગત્યના નિર્દેશકો ધ્યાને લઇ ટૂંકા અને લાંબા ગાળાના લક્ષ્યાંકો નિયત કરી ભરૂચ જિલ્લા માટે વિકસિત ભરૂચ @ ૨૦૪૭ નામનું એક વિઝન ડોક્યુમેન્ટ અને જિલ્લાના વિકાસનો રોડ મેપ તૈયાર કરવા આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરાએ કહ્યું કે, વર્ષ ૨૦૪૭ સુધીમાં જિલ્લાને વિકસિત ભરૂચ બનાવવા માટે ભવિષ્યના પડકારોને ધ્યાને રાખી વિકસિત ગુજરાતની પરિકલ્પનાને ધ્યાને રાખી વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવે. સંબંધિત વિભાગો પોતાના વિભાગના કાર્યક્ષેત્ર અંતર્ગત ભવિષ્યના પડકારો અને તેના સમાધાન માટેની દ્રષ્ટિકોણ રાખી કાર્ય કરે. આ તકે તેમણે ભરૂચ જિલ્લામાં શિક્ષણ, ઉદ્યોગ, પ્રવાસન સહિતના ક્ષેત્રોમાં રહેલી શક્યતાઓને ચકાસતું પ્રેઝેન્ટેશન નિહાળ્યું હતું.


આગામી દાયકાઓમાં વિકાસની દ્વષ્ટિએ એશિયા ખંડમાં, ભારત દેશ માટે અપાર તકો છે ત્યારે વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારત ચોક્કસ વિકસિત રાષ્ટ્ર બનશે અને ત્યારબાદ પણ ભારત દેશ અગ્રેસર રહેશે. તમામ વિભાગના અધિકારીશ્રીઓ આ વિઝન ડોક્યુમેન્ટની પરિકલ્પનાને સાકાર કરવા માટે ભવિષ્યનું આયોજન પોતાના વિભાગમાં ૧૦ વર્ષ પહેલાં શું સ્થિતિ હતી, હાલમાં શું સ્થિતિ છે અને ભવિષ્યમાં કેવી સ્થિતિ હશે તેના આધારે કામ કરે. આ વિઝન ડોક્યુમેન્ટ અંતર્ગત ઇઝ ઓફ લીવીંગ અને ઇઝ ઓફ એર્નીંગ બે મહત્ત્વના પાસા છે તેને આવરી લેતા સંબંધિત વિભાગો વિઝન ડોક્યુમેન્ટની તૈયારી કરે તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. જિલ્લા આયોજન અધિકારીશ્રી દ્વારા તમામ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને આ વિઝન ડોક્યુમેન્ટ અંગે પ્રાથમિક સમજ આપવામાં આવી હતી.


વધુમાં વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ દ્વારા ૨૦૪૭ સુધીનો રોડમેપ રજૂ કરવામાં આવ્યો. આ વર્કશોપમાં જિલ્લાના માનવ સંશાધનના વિકાસ સાથે શિક્ષણ, આરોગ્ય, પોષણ, સામાજિક-આર્થિક વિકાસની સાથે-સાથે માળખાગત સુવિધાઓ, કૃષિ, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ અને ઉદ્યોગોમાં ટકાઉ વિકાસ અને સક્ષમ બનાવવા 'Living Well અને Earning Well'ના સિધ્ધાંતોને ધ્યાને રાખી જિલ્લાનું વિઝન ડોક્યુન્ટ તૈયાર કરવા વ્યૂહરચના વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ ડોક્યુમેન્ટ પ્રગતિ, સમૃધ્ધિ અને પ્રેરણાત્મક વિકાસને સમાવિષ્ટ કરતું એક સ્વપ્નદ્રષ્ટા ડોક્યુમેન્ટ બનશે. આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ, કર્મયોગીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application