ઉચ્છલની મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા સાળવે સત્યવાન ભીમરાજ ગુરુવારે સવારે પોતાની બાઈક લઈ ઉચ્છલથી પોતાના ઘરે વ્યારા જઈ રહ્યાં હતાં ત્યારે એક ટ્રેક્ટર અડફેટે આવી જતા નાયબ મામલતદારનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.
તાપી જિલ્લાના વ્યારાના મુસા રોડ પર આવેલ શાસ્ત્રી નગરમાં રહેતાં સત્યવાનભાઈ ભીમરાજભાઈ સાળવે હાલ ઉચ્છલ ખાતે મામલતદાર કચેરીમાં ફરજ પર હતાં. તેઓ બુધવારે પોતાના રોજિંદા ક્રમ પ્રમાણે તેમની બાઈક નંબર જીજે/૦૫/ઈએલ/૫૧૮૬ લઈ વ્યારાથી ઉચ્છલ ખાતે ફરજ પર ગયા હતા. જો કે મીટીંગ હોવાથી ત્યાં જ રોકાઈ ગયા હતા. બીજા દિવસે સવારે ગુરુવારે ઉચ્છલથી વ્યારા આવવા માટે નીકળી હતા.
દરમિયાન તેઓ સોનગઢના સોનારપાડા ગામની સીમમાંથી પસાર થતો સોનગઢથી વ્યારા જતાં હાઇવે પર થઈ બાઈક લઈ પસાર થતા હતા ત્યારે સામેથી રોંહસાઇડેથી આવી રહેલું એક ટ્રેક્ટર નંબર જીજે/૧૦/બીજી/૬૦૪૧ના ચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી બાઈકને સામેથી ટક્કર મારી હતી.આ અકસ્માતના બનાવમાં નાયબ મામલતદાર સત્યવાન ભાઈ રોડ પર ફેંકાઈ ગયા હતાં અને તેમને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા સ્થળ પર જ મોત નિપજ્યું હતું. પોલીસે સ્થળ પર પહોંચી ડેડબોડીનો કબ્જો લઈ પીએમ કરવા અર્થે સોનગઢ સરકારી દવાખાને ખસેડી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500