ખેડાના ઠાસરા તાલુકામાં છેલ્લા એક અઠવાડિયામાં વરસેલા ભારે વરસાદ અને પવનના કારણે ખેતી પાકોને નુક્સાન પહોંચ્યું છે. તેમજ પશુઓ સહિત જાન-માલને નુક્સાની પહોંચી હોવાથી ઠાસરા તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા ઠાસરાના મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ખેડૂતોએ મામલતદારને રજૂઆત કરી હતી કે, વરસાદ તથા શેઢી નદીના પાણી પાંચ દિવસ સુધી ખેતરોમાં ભરાઈ રહેતા તમાકુ અને મરચીના ધરૂવાડિયા, કેરી જેવા બાગાયતી પાકો સહિતના પાકોને નુક્સાન પહોંચ્યું છે. ખેતરોની પાળ તૂટી ગઈ છે, કેટલાક દુધાળા પશુઓ શેઢી નદીમાં તણાઈ ગયા છે. ઉપરાંત ખેડૂતોના કાચા મકાનો તથા મકાનની દિવાલો પડી ગઈ છે. જેને લઈ ખેડૂતોને આર્થિક નુક્સાન વેઠવાનો વારો આવ્યો છે. વરસાદે વિરામ લીધા બાદ રોગચાળો ફેલાવાનો ભય છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દવાનો છંટકાવ, નુક્સાનીનો સર્વે કરાવી ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500