Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

‘વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2024’ પ્રમાણે દિલ્હી વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની

  • March 11, 2025 

વિશ્વના 20 સૌથી પ્રદૂષિત શહેરોની યાદી આવી ગઈ છે જેમાં 13 શહેરો તો એકલા ભારતના જ છે. આમાં સૌથી પ્રદૂષિત શહેર મેઘાલયનું બર્નીહાટ છે. IQ Air દ્વારા પ્રકાશિત કરાયેલ ‘વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2024’ પ્રમાણે દિલ્હી વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની છે. જો આપણે દેશોની વાત કરીએ તો ભારત વિશ્વનું પાંચમું સૌથી પ્રદૂષિત શહેર છે. આ આંકડો વર્ષ 2024ને લઈને જાહેર કરવામાં આવ્યો છે, જ્યારે 2023માં ભારત ત્રીજા સ્થાને હતું. આમ પ્રદૂષણના મામલે ભારતમાં થોડો સુધારો થયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં PM 2.5 પાર્ટિકલ્સની ઘનતામાં 7 ટકા સુધીનો ઘટાડો થયો છે. જો આપણે ટોપ 10 શહેરોની વાત કરીએ, તો 6 એકલા ભારતમાં જ છે. ભારતના જે 13 શહેરોને સૌથી વધુ પ્રદૂષિત માનવામાં આવ્યા છે તેમાં પંજાબથી લઈને મેઘાલય સુધીના શહેરો સામેલ છે. આ યાદીમાં બર્નીહાટ પહેલા નંબર પર છે બીજી તરફ દિલ્હી બીજા નંબર પર છે. દિલ્હી વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાનીની શ્રેણીમાં છે. આ ઉપરાંત પંજાબનું મુલ્લાનપુર ત્રીજા સ્થાને છે. ફરીદાબાદ ચોથા નંબર પર છે.


ત્યારબાદ ગાઝિયાબાદનું લોની, નવી દિલ્હી, ગુરુગ્રામ, ગંગાનગર, ગ્રેટર નોઈડા, ભીવાડી, મુઝફ્ફરનગર, હનુમાનગઢ અને નોઈડાનો નંબર આવે છે. એકંદરે ભારતના 35 ટકા શહેરો એવા છે જ્યાં પીએમ 2.5નું લેવલ WHO દ્વારા તૈયાર કરાયેલી યાદી કરતા 10 ગણું વધારે છે. વિશ્વ આરોગ્ય સંગઠનની મર્યાદા પ્રતિ ક્યૂબિક મીટર 5 માઈક્રોગ્રામ છે. રિપોર્ટ પ્રમાણે ભારતમાં વાયુ પ્રદૂષણ સતત ચિંતાનો વિષય રહ્યો છે અને તે એક મોટું સ્વાસ્થ્ય જોખમ પણ છે. પ્રદૂષણના કારણે ભારતમાં લોકોના આયુષ્યમાં સરેરાશ 5.2 વર્ષનો ઘટાડો થઈ રહ્યો છે. લેન્સેટ હેલ્થ સ્ટડી પ્રમાણે 2009થી 2019ની વચ્ચે 1.5 મિલિયન મૃત્યુનું કારણ પીએમ 2.5 પ્રદૂષણના વધુ પડતા સંપર્કમાં આવવાનું હતું. પીએમ 2.5નો અર્થ હવામાં ફેલાયેલા એ પ્રદૂષક કણો છે જે ફેફસાંને અસર કરે છે.


આનાથી શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. ઘણી વખત હૃદય રોગ અને કેન્સર પણ આના કારણે થાય છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, વાહનોમાંથી નીકળતો ધુમાડો, ઔદ્યોગિક ઉત્સર્જન અને પાક અને લાકડાને બાળવા એ વાયુ પ્રદૂષણના મુખ્ય પરિબળો છે. વિશ્વ આરોગ્ય સંગઠનના પૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક અને આરોગ્ય મંત્રાલયના સલાહકાર સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે,  ભારતે એર ક્વોલિટીના ડેટા કલેક્શનમાં સુધારો કર્યો છે, પરંતુ પૂરતા પગલાંનો અભાવ છે. અમારી પાસે ડેટા તો છે.


પરંતુ હવે એક્શન પણ લેવું પડશે. કેટલાક ઉકેલો સરળ છે, જેમ કે બાયોમાસને LPG થી બદલવું. ભારતમાં પહેલાથી જ આ માટે એક યોજના છે, પરંતુ આપણે વધારાના સિલિન્ડર પર વધુ સબસિડી આપવી જોઈએ. પહેલું સિલિન્ડર મફત છે પરંતુ સૌથી ગરીબ પરિવારો ખાસ કરીને મહિલાઓને વધુ સબસિડી મળવી જોઈએ. આનાથી તેમનું સ્વાસ્થ્ય સુધરશે અને બહારનું વાયુ પ્રદૂષણ ઘટશે. શહેરોમાં જાહેર પરિવહનનો વિસ્તાર કરવાથી અને કેટલીક કાર પર દંડ લાદવાથી મદદ મળી શકે છે. પ્રોત્સાહનો અને સજાઓનું મિશ્રણ જરૂરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application