દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે અક્ષરધામ રેલવે સ્ટેશન પરથી 50 લાખ રૂપિયાની નકલી નોટો સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ પાંચ વર્ષથી નકલી નોટોનો કારોબાર ચલાવી રહ્યા હતા અને અત્યાર સુધીમાં કુલ પાંચ કરોડ રૂપિયાની નોટો માર્કેટમાં ફરતી કરી છે. આરોપીઓની ઓળખ આસિફ અલી, દાનિશ અલી અને સરતાજ ખાન તરીકે થઈ છે. આ તમામ ઉત્તર પ્રદેશના બદાયુના છે. આરોપીઓએ નકલી નોટો છાપવા એક સેટઅપ ઉભું કર્યું હોવાનો ખુલાસો થયો છે.
દિલ્હીની પોલીસની સ્પેશિયલ સેલને આસિફ નામનો યુવક નકલી નોટોના જથ્થા સાથે દિલ્હીના અક્ષરધામ મેટ્રો સ્ટેશન પર આવવાનો હોવાની મળતા સેલે તુરંત મેટ્રો સ્ટેશન પર વૉચ ગોઠવી આસિફને ઝડપી લીધો હતો. આસિફે પોલીસને જોઈ ભાગવાનો પ્રયાસો કર્યો, તેમ છતાં તે પકડાઈ ગયો. પોલીસે તેના સાથી દાનિશ અને સરતાજની પણ ધરપકડ કરી છે. પોલીસે આ મામલે આસિફના વાહનની તપાસ કરતા તેમાંથી 500-500ની 50 લાખ રૂપિયાની નકલી નોટો મળી આવી છે. તપાસમાં નકલી નોટો છાપવા બદાયૂમાં એક સેટઅપ પણ બનાવ્યું હોવાનો ખુલાસો થયો હતો.
આરોપીઓ દેશના જુદા જુદા વિસ્તારોમાં જઈ આ નોટો નકલી નોટોના કારોબારીઓને વેચી દેતા હતા. કોર્ટે ત્રણે આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મજૂર કર્યા બાદ પોલીસ તેમને બદાયૂંમાં લઈ ગઈ હતી. જ્યાં નકલી નોટો છાપવાનો સંપૂર્ણ સેટઅપ મળી આવ્યો છે. પોલીસે સ્થળ પરથી લેપટૉપ, પ્રિન્ટ, સહી અને પેપર જપ્ત કર્યા છે. પૂછપરછમાં આરોપીઓએ 5 વર્ષમાં 5 કરોડની નકલી છાપી હોવાનો તેમજ તે નોટો જુદાં જુદાં વિસ્તારોમાં વહેતી કરી હોવાનો ખુલાસો કર્યો છે. હાલ પોલીસ નકલી નોટોના કારોબારનું નેટવર્ક ચાલતું હોવાના એંગલ પર તપાસ કરી રહી છે. ત્રણેય આરોપીઓમાંથી એક દાનિશ યૂનાની પદ્ધતિથી મેડિકલનો અભ્યાસ કરી રહ્યો છે, જ્યારે ત્રીજો આરોપી સરતાજ કોમ્પ્યુટરનો જાણકાર છે અને તે પોતાના બદાયુ ગામમાં કોમ્પ્યુટર સેન્ટર પણ ચલાવી રહ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500