કોઈપણ રાજ્ય કે રાષ્ટ્રના વિકાસ માટે માર્ગો એ કરોડરજ્જુ સમાન હોય છે. કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ સમગ્ર દેશમાં માર્ગોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જે નવા ભારતના નિર્માણમાં ધોરીનસ સમાન પુરવાર થશે.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે નવસારીથી ગુજરાતમાં દિલ્હી મુંબઈ ગ્રીન એક્સપ્રેસવેના વડોદરા થી ભરૂચ સુધીમાં ૮૭ કિલોમીટર લાંબા ત્રણ પેકેજ રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા.જે વડોદરામાં મુખ્ય લોજિસ્ટિક્સ હબને જોડશે,જેના પરિણામે ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારમાં નોંધપાત્ર આર્થિક વિકાસ થશે.
સમગ્ર રાજ્યમાં એક મજબૂત રોડ નેટવર્કનું નિર્માણ કરવું એ ગુજરાત સરકારની મુખ્ય પ્રાથમિકતાઓમાંનું એક છે. આ દિશામાં રાજ્યના વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના ત્રણ ભાગોનું નિર્માણકાર્ય પૂર્ણ થયું છે. એમાં પહેલો ભાગ, ૩૧ કિમી લાંબો મનુબરથી સાંપાનો છે, જેને રૂ.૨૪૦૦ કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. આ જ રીતે, બીજો ભાગ લગભગ ૩૨ કિમી લાંબો સાંપાથી પાદરાનો છે, જેને રૂ. ૩૨૦૦ કરોડથી વધુના ખર્ચે અને ત્રીજો ભાગ ૨૩ કિમી લાંબો પાદરાથી વડોદરાનો છે, જેને રૂ.૪૩૦૦ કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. આ રીતે રૂ.૧૦ હજાર કરોડથી વધુના NHAIના ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ વડાપ્રધાનશ્રી આજે જનતાને સમર્પિત કર્યા હતા.
ગુજરાત સહિત પાંચ રાજ્યોમાંથી પસાર થતા દિલ્હી-મુંબઈ ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ વે ની (DME)નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અંદાજે રૂ. ૯૮ હજાર કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલો આ ૧,૩૮૦ કિલોમીટર લાંબો દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ વે હશે. આ એક્સપ્રેસ વે દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને આર્થિક રાજધાની મુંબઈને જોડશે.
આ ઉપરાંત હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત પાંચ રાજ્યોમાંથી પસાર થતા આ એક્સપ્રેસ વેમાં જયપુર, કિશનગઢ,અજમેર, કોટા, ચિત્તોડગઢ, ઉદયપુર, ભોપાલ, ઉજ્જૈન, ઇન્દોર, અમદાવાદ, વડોદરા, સુરત શહેરની આર્થિક પ્રવૃત્તિઓ સાથે લાખો લોકો માટે આર્થિક સમૃદ્ધિ લાવશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ન્યૂ ઇન્ડિયાની સંકલ્પના કરવામાં આવી છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે ના કામની શરૂઆત માર્ચ-૨૦૧૯ માં કરવામાં આવી હતી.તેની અગત્યની કડી રૂપે ગુજરાતમાં ૪૨૩ કિલોમીટરનો એક્સપ્રેસ વે કુલ રૂ. ૩૫,૧૦૦ કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે.
ગુજરાત દેશનું મોટું આર્થિક કેન્દ્ર છે. દાહોદ, લીમખેડા, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત અને વલસાડ સહિત અન્ય શહેરોને કનેક્ટિવિટી પૂરી પાડવા માટે રાજ્યભરમાં અનેક ઇન્ટરચેન્જની યોજના છે. આ એક્સપ્રેસ વે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે દ્વારા રાજ્યની રાજધાની સાથે પણ જોડાશે. ગુજરાતમાં ૬૦ મોટા પુલ, ૧૭ ઇન્ટરચેન્જ, ૧૭ ફ્લાયઓવર અને ૮ આર. ઓ.બીનું નિર્માણ કરવામાં આવનાર છે.
ગુજરાત રાજ્યમાં આ કોરિડોરની મુખ્ય વિશેષતા એ છે કે દિલ્હી-વડોદરા વિભાગમાં ટકાઉ ડિઝાઇન સાથે આયોજિત નવીન પેવમેન્ટ ડિઝાઇન અને એક્સપ્રેસ-વે ને ટકાઉ બનાવવા માટે આબોહવાની પરિસ્થિતિઓના આધારે વડોદરા-મુંબઈ વિભાગ માટે કોંક્રિટ પેવમેન્ટ ડિઝાઇન કરવામાં આવી છે.બે કિ.મી લાંબો એક્સ્ટ્રાડોઝ કેબલ સ્પાન બ્રિજ, ભરૂચ નજીક નર્મદા નદી પર એક આઇકોનિક બ્રિજ એક્સપ્રેસ વે પર બાંધવામાં આવતો ભારતનો પ્રથમ ૮ -લેન પુલ હશે. ભરૂચ શહેર નજીક આઇકોનિક ઇન્ટરચેન્જ સાથે દેશમાં એક્સપ્રેસ -વે વિકાસની ઓળખને નવી ગતિ આપશે.
રાજ્યમાં રોજગારીની તકો ઊભી કરવા તેમજ મુસાફરી માટે વિશ્વસ્તરીય સુવિધાઓ પૂરી પાડવા માટે ગુજરાતમાં ૩૩ રોડસાઇડ સુવિધાઓ (WSAs) નું આયોજન કરવામાં આવી રહ્યું છે.સમગ્ર એક્સપ્રેસ-વેનો એક હિસ્સો વડોદરા-ભરૂચનો ૮૭ કિલોમીટરનો વિસ્તારનું બાંધકામ પૂર્ણ થતાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે જનતાને સમર્પિત કર્યો હતો. આગામી સમયમાં મુંબઈ સુધીનો બાકીનો હિસ્સો ઝડપભેર પૂર્ણ કરવામાં આવશે જેનાથી વડોદરાથી મુંબઈ માત્ર સાડા ત્રણ કલાકમાં પહોંચી જવાશે.આ નવા એક્સપ્રેસ-વે નું સંપૂર્ણ કામ પૂર્ણ થશે ત્યારે દિલ્હી અને મુંબઈ વચ્ચેનો મુસાફરીનો સમય લગભગ ૨૪ કલાકથી ઘટીને ૧૨ કલાક થવાની ધારણા છે એટલે ૫૦ ટકા જેટલી સમયની બચત થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application