કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની પુત્રી ગોવામાં બાર ચલાવતી હોવા અંગે કોંગ્રેસ નેતાઓ પવન ખેરા, જયરામ રમેશ અને નેટ્ટા ડિસુઝાએ કરેલી ટ્વીટ તાત્કાલિક અસરથી ડીલીટ કરવા માટે દિલ્હી હાઈકોર્ટે તેમને નિર્દેશ આપ્યો છે. સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ નેતાઓ પર દિવાની માનહાની કેસ દાખલ કર્યો હતો, જેના પગલે કોંગ્રેસ નેતાઓને સમન્સ પાઠવતાં દિલ્હી હાઈકોર્ટે આ આદેશ આપ્યો હતો. સ્મૃતિએ માનહાની કેસમાં કથિત રીતે તેમની અને તેમની પુત્રી વિરુદ્ધ પાયાવિહોણા આરોપ લગાવવા બદલ રૂ. બે કરોડથી વધુના વળતરની માગ કરી છે.
ન્યાયમૂર્તિ મિની પુષ્કરણની બેન્ચે કોંગ્રેસના ત્રણેય નેતાઓને મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અને લઘુમતી બાબતોના મંત્રાલયનો પ્રભાર સંભાળનારાં ઈરાની વિરુદ્ધ લાગેલા આરોપોના સંબંધમાં સોશિયલ મીડિયાથી ટ્વીટ, રીટ્વીટ, પોસ્ટ, વીડિયો અને ફોટો હટાવવાનો નિર્દેશ પણ આપ્યો છે. દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે, જો પ્રતિવાદી એટલે કે કોંગ્રેસ નેતાઓ ૨૪ કલાકમાં તેના નિર્દેશોનું પાલન નહીં કરે તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર, ફેસબૂક અને યુટયૂબ સામગ્રી હટાવી દેશે.
કોંગ્રેસ નેતાઓએ સ્મૃતિ ઈરાનીની ૧૮ વર્ષની પુત્રી ઝોઈશ ઈરાની ગોવામાં ગેરકાયદેરૂપે બાર ચલાવતી હોવાનો આક્ષેપ કરતા અને આ અંગે કેન્દ્રીય મંત્રી સ્મૃતિની ઝાટકણી કાઢી હતી અને વડાપ્રધાન મોદીને તેમના મંત્રીમંડળમાંથી સસ્પેન્ડ કરવા માગણી કરી હતી.મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ તેમના અને તેમની પુત્રી પર પાયાવિહોણા અને ખોટા આક્ષેપો કરવા બદલ રૂ. ૨ કરોડથી વધુનો વળતરનો દાવો કર્યો છે. દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે, સ્મૃતિ ઈરાની સામે ટીકાત્મક અને બનાવટી આક્ષેપો કરાયા હતા. આ કેસમાં પ્રથમદર્શી રીતે કેસ વાદીની તરફેણમાં પ્રતિવાદીઓની વિરુદ્ધમાં હોવાનું જણાય છે.
ન્યાયાધીશે કહ્યું કે, પ્રથમદર્શી રીતે માની શકાય છે કે ઈરાની સામેના આક્ષેપો નિંદાકારક અને નકલી છે અને વાસ્તવિક હકીકતોની ખરાઈ કર્યા વિના આક્ષેપો કરાયા છે, જેના કારણે ફરિયાદીની પ્રતિષ્ઠાને ગંભીર હાની પહોંચી છે. હું પ્રતિવાદીઓ એકથી ત્રણ (કોંગ્રેસના નેતાઓ)ને યુટયૂબ, ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર સહિત બધા જ સોશિયલ મીડિયા મંચો પરથી સંવાદદાતા સંમેલન દરમિયાન કરાયેલા આરોપો હટાવવા માટે વચગાળાનો આદેશ પાસ કરવો યોગ્ય સમજું છું.હાઈકોર્ટે આરોપો સાથે સ્મૃતિ ઈરાની અને તેમની પુત્રીના સંબંધમાં શૅર કરાયેલ પોસ્ટ, વીડિયો, ટ્વીટ, રીટ્વીટ, ચેડાં કરાયેલી તસવીરો હટાવવા અને તેના પુનઃ પ્રસારને રોકવા માટે પણ નિર્દેશો આપ્યા હતા. આ સાથે આ કેસની આગામી સુનાવણી ૧૫મી નવેમ્બરે મુલતવી રખાઈ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500