સામાજીક કાર્યકર અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ડો.સિંધુતાઈ સપકાલનું 73 વર્ષની ઉંમરે અવસાન થયું છે. સિંધુતાઈ સપકાલે પોતાનું સમગ્ર જીવન અનાથ બાળકોની જિંદગી સુધારવામાં લગાવી દીધું હતું. સિંધુતાઈ 1,400 કરતાં પણ વધારે બાળકોની માતા અને 1 હજાર કરતાં પણ વધારે બાળકોના દાદી હતા. જોકે 73 વર્ષીય સિંધુતાઈને લોકો પ્રેમથી 'અનાથોના માતા' કહેતા હતા. ડો.સિંધુતાઈ સપકાલના અવસાન બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દુખ વ્યક્ત કરતા કહ્યું કે, સિંધુતાઈનું જીવન સાહસ, સમર્પણ અને સેવાની પ્રેરકગાથા હતું. તેઓ અનાથો, આદિવાસીઓ અને હાંસિયાના લોકોને પ્રેમ કરતા હતા અને તેમની સેવા કરતા હતા. તેમના પરિવાર અને અનુયાયીઓ પ્રત્યે મારી સંવેદનાઓ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડો.સિંધુતાઈ સપકાલના અવસાન અંગે દુખ વ્યક્ત કર્યું હતું. તેમણે લખ્યું હતું કે, ડો. સિંધુતાઈ સપકાલને સમાજ માટેની તેમની પવિત્ર સેવા માટે યાદ કરવામાં આવશે. તેમણે હાંસિયાના સમુદાયો વચ્ચે પણ ઘણું કામ કર્યું. તેમના અવસાનથી દુખી છું. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ..
સિંધુતાઈનું જીવન
મહારાષ્ટ્રના વર્ધા ખાતે એક ગરીબ પરિવારમાં જન્મેલા સિંધુતાઈને દીકરી હોવાના કારણે ઘણાં લાંબા સમય સુધી ભેદભાવ સહન કરવો પડ્યો હતો. સિંધુતાઈ સપકાલની જિંદગી એક એવા બાળક તરીકે શરૂ થઈ હતી જેની કોઈને જરૂર નહોતી. સિંધુતાઈના માતા તેમના શાળાએ જવાના વિરોધમાં હતા. જોકે તેમના પિતા ઈચ્છતા હતા કે તેઓ ભણે. આખરે તેઓ જ્યારે 12 વર્ષના હતા ત્યારે જ તેમના લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા. તેમના પતિ તેમના કરતાં 20 વર્ષ મોટા હતા. સિંધુતાઈને એવો પતિ મળ્યો હતો જે તેમને અપશબ્દો કહેતો હતો અને તેમના સાથે મારપીટ કરતો હતો. તેઓ જ્યારે 9 મહિનાના ગર્ભવતી હતા તે સમયે તેમના પતિએ તેમને છોડી દીધા હતા. સ્થિતિ એટલી હદે ખરાબ બની ગઈ હતી કે, તેમણે ગૌશાળામાં પોતાની બાળકીને જન્મ આપવો પડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, તેમણે પોતાના હાથ વડે જ પોતાની નાળ કાપી હતી.
જે પણ અનાથ બાળક મળે તેને અપનાવી લેતા
આ બધી વાતોથી તેઓ અંદરથી એટલા હચમચી ગયા હતા કે, તેમણે આત્મહત્યા કરવાનો પણ વિચાર કર્યો પરંતુ બાદમાં પોતાની દીકરી સાથે રેલવે પ્લેટફોર્મ પર ભીખ માગીને જીવન વિતાવવા લાગ્યા. ભીખ માગતી વખતે તેઓ એવા અનેક બાળકોના સંપર્કમાં આવ્યા જેમનું આ દુનિયામાં કોઈ જ નહોતું. તે બાળકોમાં તેમને પોતાનું દુખ નજર આવ્યું અને તેમણે તે સૌ બાળકોને ખોળે લઈ લીધા. તેમણે પોતાની સાથે સાથે આ બાળકોના માટે પણ ભીખ માગવાનું શરૂ કરી દીધું. ત્યારબાદ તો તેઓ જ્યારે પણ કોઈ અનાથ બાળક મળે તેને અપનાવી લેતા હતા.
સિંધુતાઈની 207 જમાઈ અને 36 વહુઓ
સિંધુતાઈએ પોતાના જીવનમાં 1,400 કરતાં પણ વધારે બાળકોને અપનાવેલા હતા. સિંધુતાઈનો પરિવાર ખૂબ જ મોટો છે. તેમના 207 જમાઈ છે અને 36 વહુઓ છે. ઉપરાંત 1,000 કરતાં પણ વધારે પૌત્ર-પૌત્રીઓ છે. તેમના નામે 6 સંસ્થાઓ ચાલે છે જે અનાથ બાળકોની મદદ કરે છે. તેમના આ કામ માટે તેમને પદ્મશ્રી સહિત 500 કરતાં પણ વધારે સન્માન મળેલા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500