ગત તા.૮મી નવેમ્બરના રોજ ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના ચીચીનાગાંવઠા રેંજ વિસ્તારમા આવેલ નડગખાદી ગામમા માણસ ઉપર હુમલો કરનાર દિપડો પાંજરે પુરાયો છે. ડાંગ જિલ્લાના પ્રકૃતિ પ્રેમી આદિવાસી પ્રજાજનો દ્વારા પાંજરે પુરાયેલા દિપડાની વિધિવત પરંપરાગત મુજબ કંકુ અગરબત્તીથી પુજા અર્ચના કરી હતી. ઉલ્લેખનીય છે કે, વાધ બારસના દિવસે આદિવાસી પ્રજાજનો દ્વારા જંગલી, હિંસક વન્ય પ્રાણીઓની પુજા અર્ચના કરવામાં આવે છે. નડગખાદી ગામની આ ઘટના, એ વનોમાં વસતા માનવી અને પ્રાણીઓ વચ્ચેના પ્રેમની સહદયતા દર્શાવે છે. ડાંગ નિવાસીઓ સૌ પ્રકૃતિપ્રેમી છે. જે આ ધટનાથી ફળીભુત થાય છે.
વન્યજીવ પ્રત્યે આ પ્રકારની લાગણી એ ખુબ જ ઉચ્ચકક્ષાની વિચારધારા આદિવાસી સમાજમા પ્રચલિત કરે છે. જંગલની જાળવણીમા પણ ડાંગ વાસીઓ હંમેશા આગળ રહ્યા છે. નડગખાદી ગામમા પાંજરે પુરાયેલા દિપડાને વન વિભાગની ટીમ દ્વારા પાંજરા સાથે ગાડીમા ભરી, અન્ય સલામત જ્યાએ ગોઠવવામા આવ્યો છે. દિપડો પાંજરે પુરાતા સ્થાનિક લોકોએ પણ રાહતનો શ્વાસ લઇ, વન વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો. દિપડા દ્વારા હુમલાની ઘટનાને પગલે ડાંગ જિલ્લાની તમામ ફોરેસ્ટ રેંજમા વન વિભાગ દ્વારા રાત્રી સભા યોજી, ગ્રામજનો સાથે સંવાદ યોજવામાં આવ્યો હતો.
જેમા દક્ષિણ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી પ્રસાદ રવિ રાધાક્રિષ્ણના જણાવ્યા અનુસાર મોટાભાગે દિપડા દ્વારા માનવ હુમલાઓ રાત્રી અથવા વહેલી સવારે અંધારાના સમયમા થવા પામે છે. જેથી આવા સમયે પોતાની પાસે બેટરી, ટોર્ચ લઇ બહાર જવા માટે લોકોને સુચનો કરવામા આવ્યા છે. સાથે જ બને ત્યા સુધી ત્રણથી વઘુ વ્યક્તીઓએ સાથે નિકળવુ જોઈએ. દિપડો હંમેશા પોતાનાથી ઉંચાઇમા નાના દેખાતા પ્રાણી પર હુમલો કરે છે.
ડાંગ જિલ્લામા નવયુવાનો રાત્રી દરમિયાન રોડની સાઇડમા બેસી મોબાઇલનો ઉપયોગ કરતા હોય છે. આવા સમયે પણ દિપડાના હુમલો થવાની સંભાવનાઓ છે. કારણ વગર યુવાનો રાત્રી દરમિયાન બહાર ન નિકળે તેની વડીલોએ ખાસ નોંધ લેવી જોઈએ. વનપ્રાણી અંગે કોઇ પણ માહિતી મળે તો તાત્કાલીક ગામના સરપંચ તથા જે તે વિસ્તારની ગામ નજીક આવતા બિટગાર્ડનો સંપર્ક કરવા મદદનીશ વન સંરક્ષકએ અપીલ કરતા જણાવ્યુ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500