હવામાન વિભાગ દ્વારા બંગાળની ખાડી ઉપર લો પ્રેશર બનતાં 23 ઓક્ટોબર સુધી દાના વાવાઝોડું આવવાની શક્યતાઓ દર્શાવાઈ છે. આ ચક્રવાતી વાવાઝોડાના કારણે ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળના તટ વિસ્તારો માટે આગામી 48 કલાક ભારે છે. હવામાન વિભાગે અને સ્થાનિક સત્તાધીશોએ માછીમારોને સોમવાર સુધી દરિયો ન ખેડવા સલાહ આપી છે. તેમજ સમુદ્ર કિનારાથી દૂર હટી જવા અપીલ કરી છે. હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાના લીધે ઓરિસ્સાના પુરીમાં ભુસ્ખલન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.
ઉત્તર આંદામાન સાગર અને બંગાળની ખાડીની ઉપર વાવાઝોડાની શક્યતાઓ દર્શાવતા પૂર્વ-મધ્ય બંગાળની ખાડી અને ઉત્તર આંદામાન સાગર પર લો પ્રેશર સર્જાયું છે. આઇએમડી અનુસાર, બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર દાના પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. મંગળવારની સવારથી તેની સ્પીડ વધશે. તારીખ 23 ઓક્ટોબર બુધવાર સુધી પૂર્વ-મધ્ય બંગાળની ખાડી ઉપર ચક્રવાતી વાવાઝોડામાં તબદીલ થશે.
ઉત્તર-પશ્ચિમ દિશા તરફ વધી રહેલું વાવાઝોડું 24 ઑક્ટોબર સુધી ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળના તટ નજીક બંગાળની ખાડીના ઉત્તર-પશ્ચિમમાં પહોંચી શકે છે. હવામાન વિભાગે તટીય ક્ષેત્રમાં અમુક વિસ્તારો પર 24-25 ઓક્ટોબર સુધી 20 સેમી વરસાદ થઈ શકે છે. વરસાદની સ્પીડ 20થી 30 સેમી સુધી વધી શકે છે. વાવાઝોડાના લીધે અમુક સ્થળો પર 30 સેમીથી વધુ વરસાદ થઈ શકે છે. દાના વાવાઝોડાને લીધે કટક, નયાગઢ, કંધમાલ, અને ગજપતિમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનાપુર, પશ્ચિમ મેદિનાપુર, દક્ષિણ 24 પરગણા, ઉત્તર 24 પરગણામાં પણ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કોલકાત્તા, હાવડા, હુગલી અને ઝારગ્રામમાં તારીખ 23થી 24 ઓક્ટોબર દરમિયાન ભારે વરસાદ થઈ શકે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500