ડાંગ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી સાયબર ફ્રોડનાં બનાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ એક સાયબર ફ્રોડનો ગુનો સામે આવ્યો હતો. જેમાં કસ્ટમ ડ્યુટી ઓફિસર તરીકેની ઓળખ આપી અને તમારું પાર્સલ છે. પરંતુ પાર્સલ મેળવવા માટે એરપોર્ટની કસ્ટમ ફી ભરવી પડશે એમ કહી આધેડ પાસેથી ૨૪,૮૦૦ રૂપિયા પડાવી લીધા હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. મળતી માહિતી મુજબ, વઘઈ તાલુકાનાં ભવાડી ગામ ખાતે રહેતા જયેશભાઈ કાળુભાઈ મોકાશી પર અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો અને અજાણ્યા નંબર ધારકે પોતાનુ નામ લલિતકુમાર સિંધ (જેના પુરા નામ સરનામાની ખબર નથી) જણાવ્યું હતું.
તેમજ અન્ય એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. જેણે પોતાની ઓળખ કસ્ટમ ડયુટી ઓફિસર તરીકે આપી હતી. આ અજાણ્યા કોલ ધારકે જયેશભાઈને જણાવ્યું હતું કે, તમારું એક પાર્સલ છે. પણ પાર્સલ મેળવવા માટે તમારે એરપોર્ટની કસ્ટમ ફી ભરવી પડેશે ત્યારબાદ આ અજાણ્યા વ્યક્તિએ વોટસએપ મારફતે પાર્સલ નો ફોટો પણ મોકલ્યો હતો અને ત્યારબાદ આ પાર્સલ મેળવવા માટે પૈસાની માંગણી કરી હતી. ત્યારબાદ જયેશભાઈએ પોતાના દીકરાના ફોન પે મારફતે આ અજાણ્યા વ્યક્તિના ખાતામાં ૨૪,૮૦૦ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા તેમજ આ રૂપિયા ભર્યા બાદ પણ પાર્સલ મેળવવા માટે વધુ ૮૭ હજારની માંગણી કરવામાં આવી હતી. જોકે ત્યારે જયેશભાઈને જણાઈ આવ્યું કે, તેમની સાથે સાયબર ફ્રોડ થયેલ છે. ત્યારે આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. તેમજ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર કોલ કરીને જયેશભાઈએ ફરીયાદ નોંધાવી હતી. આ સાયબર ફ્રોડને પગલે વઘઇ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500