Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કરોડો રૂપિયાના જીએસટી કૌભાંડનો પર્દાફાશ : પાનકાર્ડના ડેટા અને નકલી દસ્તાવેજોના આધારે રૂ.૧૫,૦૦૦ કરોડનું કૌભાંડ આચરનાર ગેંગ ઝડપાઈ

  • June 03, 2023 

ભારતના ભાગેડૂ ઉદ્યોગપતિઓ વિજય માલ્યા અને નીરવ મોદીને પણ પાછળ પાડી દે તેવા કરોડો રૂપિયાના જીએસટી કૌભાંડનો નોઈડા પોલીસે પર્દાફાશ કર્યો છે. નોઈડા પોલીસે ૮,૦૦,૦૦૦ લોકોના પાન કાર્ડના ડેટા અને નકલી દસ્તાવેજોના આધારે રૂ.૧૫,૦૦૦ કરોડનું કૌભાંડ આચરનાર ગેંગને ઝડપી લીધી છે. આ ગેંગે ૨,૬૬૦ નકલી કંપનીઓ બનાવી કરોડો રૂપિયાની જીએસટી ચોરી કરી છે તેમ નોઈડાના નાયબ પોલીસ કમિશનર હરિશ ચંદેરે ગુરુવારે જણાવ્યું હતું. નોઈડા પોલીસે આ કૌભાંડમાં ગેંગના સૂત્રધાર સહિત આઠ લોકોની ધરપકડ કરી છે અને તેમની પાસેથી પાનની વિગતો સહિત અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો જપ્ત કર્યા છે. સરકારી તંત્રે જીએસટી ચોરીનો ચોક્કસ આંકડો જાહેર કર્યો નથી ત્યારે ઉત્તર પ્રદેશ જીએસટી વિભાગના એક અધિકારીએ નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું હતું કે, આ ગેંગે રૂ.૧૫,૦૦૦ કરોડની કરચોરી કરી હોવાની સંભાવના છે.


પોલીસે આરોપીઓ પાસેથી જપ્ત કરેલા દસ્તાવેજોમાં ૨૬૦૦થી વધુ નકલી કંપનીઓની યાદી પણ મળી છે. પોલીસે આ ગંગના સૂત્રધાર દીપક મુરજાની, વિનીતા, અશ્વની, યાસીન, આકાશ સૈની, રાજીવ, અતુલ અને વિશાલની દિલ્હીમાંથી ધરપકડ કરી હતી.પોલીસ તપાસમાં જણાયું હતું કે આ ગેંગ પાંચ વર્ષથી આ કૌભાંડ કરી રહી હતી. આ ગેંગ નકલી કંપની અને નકલી જીએસટી નંબરના આધારે જીએસટી રિફંડ લઈ લેતી હતી. માર્ચમાં મળેલી ફરિયાદ પછી પોલીસની ત્રણ ટીમોએ તપાસ કરીને આ ગેંગને ઝડપી લીધી છે.


પોલીસે જણાવ્યું હતું કે, એક વ્યક્તિની તેના પાન કાર્ડ-ઓળખની ચોરી અંગે ૧૦ મેએ સેક્ટર ૨૦ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આ કૌભાંડ પકડાયું હતું. ડીસીપી ચંદેરે જણાવ્યું હતું કે, ફરિયાદીના ધ્યાનમાં આવ્યું હતું કે તેના પાન કાર્ડનો ઉપયોગ કરીને પંજાબના લુધિયાણા અને મહારાષ્ટ્રના સોલાપુરમાં બે બોગસ બિઝનેસ ચલાવાઈ રહ્યા છે. તેના આધારે એફઆઈઆર નોંધાવાઈ હતી.સેક્ટર-૨૦ પોલીસે પકડેલી ગેંગ ૨,૬૬૦ નકલી કંપનીઓ મારફત સમગ્ર દેશમાં જીએસટી કૌભાંડ ચલાવી રહી હતી. આ ગેંગમાં સામેલ આઠ આરોપીઓ પાસેથી ૮,૦૦,૦૦૦થી વધુ લોકોના પાન કાર્ડની વિગતો સહિત નકલી દસ્તાવેજો જપ્ત થયા છે. એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પણ પોલીસે ધરપકડ કરી છે. આ આરોપીઓની ધરપકડ કરવા માટે પોલીસે પશ્ચિમ બંગાળ, દિલ્હી, ગાઝિયાબાદ અને ચંડીગઢમાં પણ દરોડા પાડયા હતા.


પોલીસ કમિશનર લક્ષ્મી સિંહે જણાવ્યું કે, આ ગેંગમાં ૫૦થી વધુ લોકો સામેલ હોવાની માહિતી મળી છે, જે દેશના અલગ અલગ ભાગોમાંથી બેસીને કૌભાંડ કરી રહ્યા હતા. તપાસમાં આરોપીઓ પાસેથી રૂ. ૧૨,૬૬, ૦૦૦ની રોકડ, ૩૨ મોબાઈલ, ચાર લેપટોપ, ૧૧૮ નકલી આધાર કાર્ડ, ત્રણ કાર, નકલી જીએસટી નંબર સાથે જ અન્ય દસ્તાવેજો જપ્ત કરાયા છે. પોલીસ કમિશનરે જણાવ્યું કે, આરોપી સૌથી પહેલા નકલી કંપની અને જીએસટી નંબર મેળવવા માટે ખાનગી વેબસાઈટ અને અન્ય આઉટસોર્સિંગ કંપનીઓ મારફત લોકોના પાનકાર્ડની વિગતો એકત્ર કરતા હતા. તેમણે જણાવ્યું કે ત્યાર પછી આરોપીઓ ઝુંપડપટ્ટીમાં રહેતા લોકોને થોડાક રૂપિયાની લાલચ આપીને તેમના આધાક કાર્ડમાં તેમના નંબર રજિસ્ટર્ડ કરાવી દેતા હતા.


આ રીતે એક જ વ્યક્તિ પાસે ભળતા નામોના સેંકડો લોકોના આધારકાર્ડમાં સુધારા કરી નકલી દસ્તાવેજ બનાવતા હતા. પોલીસ કમિશનરે જણાવ્યું કે, આ કામ ગેંગનો સૂત્રધાર દીપક મુરજાની અને તેની પત્ની વિનીતા તથા તેના સાથીઓ કરતા હતા. ત્યાર પછી આ દસ્તાવેજોના આધારે નકલી કંપનીઓ બનાવી તેના જીએસટી નંબર મેળવી લેતા હતા, જેને આરોપી તેની સાથે સંડોવાયેલા  ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને વેચી દેતા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application