ગુન્હેગારોમાં જાણે પોલીસનો ડર જ રહ્યો ન હોય તેમ તાપી પોલીસને તસ્કરો પડકાર આપી રહ્યા છે.વ્યારાના તે પણ ખાસ કરીને જ્યાં જિલ્લાની મહત્વની કચેરીઓ અને એસપી સાહેબની કચેરી આવેલી આવી છે,એવા વિસ્તારમાં આવેલ પાનવાડીની નંદનવન સોસાયટીના એક મકાનમાં ઘૂસી સોના-ચાંદીના ઘરેણા સહિત લાખો રૂપિયાની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા. જોકે એક સપ્તાહ બાદ પણ વ્યારા પોલીસ દ્વારા કોઇપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.આ ઉપરાંત વ્યારાના અન્ય વિસ્તારમાં પણ તસ્કરો ચોરીના બનાવને સફળ અંજામ આપી ચુક્યા છે.તસ્કર ટોળકીનાં કરતબને પગલે વ્યારાવાસીઓમાં ગભરાટ ફેલાયો છે. આ સંજોગોમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ ઘનિષ્ઠ બનાવી ટોળકીને ઝડપી પાડે તે જરૂરી છે.
તાપી જિલ્લાનું વડુ મથક ગણાતું વ્યારામા તસ્કરોની સક્રિયતા સાથે પોલીસ પેટ્રોલીંગ અંગે પ્રશ્નાર્થ સર્જાયો છે.ઉપરા છાપરી બનતા ચોરીના બનાવોએ પોલીસની ખાસ બ્રાન્ચની નિષ્ક્રિયતા છતી કરી છે.ગત તા.૩જી જુલાઈની મોડીરાત્રે વ્યારાના પાનવાડી વિસ્તારમાં આવેલ નંદનવન સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા હતા. જ્યાં રામકરણભાઈ પ્રજાપતિના મકાનના દરવાજાનું અડાગરૂ તોડી ઘરમાં પ્રવેશી બે કબાટોમાં તોડફોડ કરી સોના-ચાંદીના દાગીના સહિત લાખો રૂપિયાની મત્તા ચોરી લઇ ગયા બાદ ગણતરીના સમયમાં વધુ એક મકાનને નિશાન બનાવી તસ્કરોએ લાખો રૂપિયા ઉપરાંતની મત્તાની ચોરી કરી નાશી છુટ્યા હતા.
તસ્કરો જાણે રીતસરના વ્યારા પોલીસને પડકાર આપી રહ્યા છે,આમ વ્યારામાં ઉપરા છાપરી બનતા ચોરીના બનાવે પોલીસની નિષ્ક્રિયતા છતી કરી છે.તસ્કરોએ પોલીસની નિષ્ક્રિય કામગીરીનો ભરપુર લાભ લીધો હતો. વ્યારામાં ઉપરા છાપરી ચોરીના બનાવ બાદ પણ પોલીસની ઉંઘ ઉડતી નથી.જોકે ચોરીના બનાવ ઉપરથી પરદો ઉંચકવાને બદલે પોલીસને માત્ર નાના મોટા દારૂ તથા જુગારના કેસ કરવામાં રસ હોય તેમ દેખાઇ રહ્યુ છે. પરંતુ તસ્કરોના ત્રાસથી કંટાળેલી પ્રજાને મુક્ત કરાવવામાં રસ નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500