વલસાડનાં ઉમરગામ તાલુકાનાં સરીગામ વાડિયાપાડા ગાયત્રી સ્ટોન ક્વોરી ઓફિસમાં સમરબહાદુર શ્યામલાલ સિંઘ છેલ્લા ૨૫ વર્ષથી વોચમેનની નોકરી કરે છે. જોકે ગુરુવારે બપોરે બારેક વાગ્યાના અરસામાં મનીષ સરમને તેમની ગાયત્રી સ્ટોન ક્વોરીની બાજુમાં આવેલી જમીનમાં સાફસફાઈ આદરી હતી. તે દરમિયાન વોચમેને જણાવ્યું હતું કે, આ જમીન મારા શેઠ શૈલેશભાઈ ઠાકોરની છે. જેથી મારા શેઠને પૂછીને પછી સાફસફાઈ કરજો, એમ કહી ના પાડી હતી. જે બાદ સમરબહાદુરે તેના શેઠને સમગ્ર બાબતની જાણ કરી હતી. ત્યારબાદ શેઠે ત્યાં આવી મનીષને જમીનમાં સાફ-સફાઈ કરવાની ના પાડી હતી. દરમિયાન શનિવારે સમરબહાદુર રાબેતા મુજબ નોકરી ઉપર હાજર હતા.
ત્યારે સવારે સાતેક વાગ્યાના અરસામાં મનીષે તેમની ઓફ્સિ પાસે આવી સમરબહાદુરને કહેવા લાગ્યા હતા કે, તે દિવસે જમીનમાં સફાઈ કરવા માટે કેમ ના પાડી હતી, તે જમીન તારા બાપની છે. એમ કહી બે દિવસ અગાઉની અદાવત રાખી વોચમેન જોડે બોલાચાલી અને તકરાર કરી અપશબ્દો કહ્યા હતા. આ સમયે સોનુ મુન્ના અને અમન મહેંદર ત્યાં આવી પહોંચ્યા હતા. અને તેઓ ઓફિસની બાજુમાં પડેલી ઈટ પથ્થર વડે ઓફિસની બારીના કાચ તોડવા લાગ્યા હતા. રોકવા જતાં અમન અને મનીષે લાકડા વડે વોચમેનને હાથનાં ભાગે ફટકા મારી શરીરે મૂઢ ઇજા પહોંચાડી હતી.
જયારે સોનુએ નીલકટરમાં આવેલા ચપ્પુ વડે જમણી સાઈડના ખભા નીચે પીઠ પર ઘા કરી ઈજા પહોંચાડી હતી. હુમલાને કારણે બૂમાબૂમ થતા ત્રણેય આરોપીઓ વોચમેન સમર બહારદૂરને જાનથી મારી નાંખવાની ધમકી આપી ત્યાંથી નાસી છૂટયા હતા. ત્યારબાદ ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવીને ઈજાગ્રસ્તને સારવાર માટે ભીલાડ સીએચસી ખાતે લઈ જવાયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. જ્યાં પથારીવશ હાલતમાં વોચમેન સમરબહાદુરે મારામારી બાબતે ફરિયાદ આપી હતી. ઘટના અંગે ભીલાડ પોલીસે સોનુ મુન્ના, મનીષ સરમન, અમન મહેંદર (તમામ રહે. સરીગામ વાડિયાપાડામાં) વિરુદ્ધ ગુનો નોંધ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500