Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાતમાં ગુનાખોરીમાં ઘટાડો નોંધાયો, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોનો રિપોર્ટ

  • September 17, 2022 

નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો (NCRB) દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગુના સંબંધિત માહિતી એકઠી કરીને દર વર્ષે ‘ક્રાઇમ ઇન ઇન્ડિયા’ નામની પુસ્તિક બહાર પાડવામાં આવે છે. તેમાં એક લાખની વસ્તી સામે કેટલા ગુના નોંધાય છે, તે ગુનાનો દર (ક્રાઇમ રેટ) જણાવવામાં આવે છે.  ‘ક્રાઇમ ઇન ઇન્ડિયા ૨૦૨૧’ના આંકડાં અનુસાર, ગુજરાતમાં વિવિધ પ્રકારના ગુનામાં રાષ્ટ્રીય આંકડાની સરખામણીએ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. તેની પાછળ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા લેવામાં આવેલા નોંધપાત્ર કાયદા સુધારા અને મક્કમ નેતૃત્વ કારણભૂત છે.



       

હિંસાત્મક ગુનાઓ, જેવા કે હત્યા, હત્યાનો પ્રયત્ન, બળાત્કાર, અપહરણ, લૂંટ વગેરે ગુનાઓમાં ગુજરાતનો ક્રાઇમ રેટ ૧૧.૯ છે, જે સમગ્ર દેશના ક્રાઇમ રેટ ૩૦.૨ કરતા ઘણો ઓછો છે. તે સિવાય વર્ષ ૨૦૨૧માં ગુજરાતમાં ખૂનનો ક્રાઇમ રેટ ૧.૪ છે, જે ઓલ ઇન્ડિયા ક્રાઇમ રેટ ૨.૧ કરતા ઓછો છે. અપહરણના ગુનાઓનો ક્રાઇમ રેટ ગુજરાતમાં ૨.૩ છે, જે ઓલ ઇન્ડિયાના ક્રાઇમ રેટ ૭.૪ કરતા ઓછો છે. ગુજરાતમાં અપહરણના ગુનાના ક્રાઇમ રેટનો ટ્રેન્ડ જોઇએ, તો પાછલા વર્ષોની સરખામણીએ સતત ઘટાડો નોંધાયો છે. તેના આંકડા આ પ્રમાણે છે- ૨૦૧૮ (૩.૦),  ૨૦૧૯ (૨.૭) અને ૨૦૨૧ (૨.૩). મહિલાઓ વિરુદ્ધના ગુનામાં ગુજરાતનો ક્રાઇમ રેટ ૨૨.૧ છે, જે ઓલ ઇન્ડિયા ક્રાઇમ રેટ ૬૪.૫ કરતા ઘણો ઓછો છે.  અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો જેવા કે આસામ (૧૬૮.૩), દિલ્હી (૧૪૭.૬), તેલંગાણા (૧૧૯.૭), રાજસ્થાન (૧૦૫.૪), પશ્વિમ બંગાળ (૭૪.૬), કેરળ (૭૩.૩) અને આંધ્રપ્રદેશ (૬૭.૨) ની સરખામણીએ ગુજરાતમાં મહિલા વિરુદ્ધના ગુનાઓનો દર ખૂબ જ ઓછો છે.



       

બીજો એક નોંધપાત્ર સુધારો શરીર વિરુદ્ધના ગુનાઓ (ખૂન, ખૂનનો પ્રયત્ન, ગંભીર, ઈજા, બળાત્કાર વગેરે) માં ઓલ ઇન્ડિયા ક્રાઇમ રેટ ૮૦.૫ની સરખામણીએ ગુજરાતનો ક્રાઇમ રેટ ૨૮.૬ રહ્યો છે. આ ગુનાના ક્રાઇમ રેટમાં કુલ ૩૬ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગુજરાત ૩૧મા ક્રમાંકે છે.  ચોરીના ગુનામાં ગુજરાતનો ક્રાઇમ રેટ ૧૫.૨ છે, જે ઓલ ઇન્ડિયા ક્રાઇમ રેટ ૪૨.૯ કરતા ઘણો ઓછો છે. યાદીમાં ગુજરાત ૨૭મા ક્રમાંકે છે.





કાયદા સુધારા અને ટેક્નોલોજીનો ઉપયોગથી પરિણામ

રાજ્યમાં નવા કાયદાઓ ઘડવામાં આવ્યા છે અને જૂના કાયદાઓમાં સુધારા કરવામાં આવ્યા છે. GUJCTOC, જમીન પચાવી પાડવા વિરુદ્ધના કાયદા, ક્રિમિનલ અમેન્ડમેન્ટ ઍક્ટમાં ફાંસીની સજા સુધીની જોગવાઇ, ચેઇન સ્નેચિંગ, હ્યુમન ટ્રાફિકીંગ વગેરે જેવા કાયદાઓમાં સજાના ધોરણોમાં વધારો વગેરેને કારણે ગુનેગારોમાં ભય વધ્યો છે, જેના પરિણામે ગુનાઓમાં ઘટાડો થયો છે.




તે સિવાય પોલીસ વિભાગ દ્વારા ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ તમામ જિલ્લાઓમાં ૭ હજારથી વધુ સીસીટીવી કેમેરા કાર્યરત છે. ૪૧ શહેરોમાં વાહનચાલકોને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ ઇ-ચલણ ઇશ્યૂ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તે સિવાય પોકેટકોપ, ઇ-ગુજકોપ, ડ્રોન કેમેરાના ઉપયોગથી અને ૧૦૯૧ મહિલા હેલ્પલાઇન, ૧૮૧ અભયમ હેલ્પલાઇન, ૧૦૯૬ જીવન આસ્થા હેલ્પલાઇન, ૧૦૦ પોલીસ હેલ્પલાઇન અને ૧૦૯૫ ટ્રાફિક હેલ્પલાઇન દ્વારા નાગરિકોની સુવિધામાં વધારો થયો છે અને ગુનાઓને નાથવામાં સહાયતા મળી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application