મહારાષ્ટ્રનાં નાગપુરમાંથી એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. દેવામાં ડૂબેલા પતિ-પત્નીએ આત્મહત્યા કરી લીધી છે. બંનેને કોઈ સંતાન ન હતું. આ કપલે પોતાના જીવનનો અંત લાવવા માટે એ જ તારીખ પસંદ કરી જે દિવસે તેમના લગ્ન થયા હતા. પતિ-પત્નીએ લગ્નના જ કપડાં પહેરીને મોતને વહાલું કરી લીધું છે. આ કાળજુ કંપાવનારી ઘટના સોમવારે માર્ટિનનગર વિસ્તારમાં બની હતી. આત્મહત્યા કરનાર દંપતીના નામ જેરીલ ઉર્ફે ટોની ઓસ્કર મોનક્રીપ (ઉ.વ.54) અને એની જેરીલ મોનક્રીપ (ઉ.વ.45) છે. આ દંપતિએ આત્મહત્યા કરતાં પહેલાં વોટ્સએપ સ્ટેટસ પર પોતાનો એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેમણે આત્મહત્યા પાછળનું કારણ જણાવ્યું હતું. આ મામલે પોલીસે જણાવ્યું કે, જેરીલ અને એની મૈત્રીપૂર્ણ દંપતિ હતા.
જેરીલ એક હોટલમાં શેફ તરીકે કામ કરતો હતો અને તેમના પત્ની હાઉસ વાઇફ હતા. તેમના દિલમાં દુઃખ એ વાતનું હતું કે લગ્નના 25 વર્ષ પછી પણ તેમને કોઈ સંતાન નહોતું. તેનું જીવન સરળ રીતે ચાલી રહ્યું હતું. તેઓ પોતાને ખુશ રાખવાના તમામ પ્રયાસ કરતા હતા. આ વચ્ચે જેરીલે પોતાની નોકરી ગુમાવી દીધી. જલ્દી નોકરી મળી જશે તેવી આશામાં તેઓ જીવી રહ્યા હતા અને લોન લઈને પરિવારની જરૂરિયાતો પૂરી કરતો હતો. તારીખ 6 જાન્યુઆરીના રોજ તેમની 26મી વેડિંગ એનિવર્સરી હતી. તેઓએ ખૂબ જ ઉત્સાહથી તેની ઉજવણી કરી. બંને બહાર ગયા. બહાર ખાધું.
મિત્રો અને સંબંધીઓ દિવસભર ટોની અને એનીને શુભકામનાઓ આપતા રહ્યા. તેણે તેમાંથી મોટા ભાગનાને જવાબ પણ આપ્યા. તે જ દિવસે તેમણે અચાનક મેસેજનો જવાબ આપવાનું બંધ કરી દીધું. સંબંધીઓએ વિચાર્યું કે તે થાકી ગયો હશે અથવા સૂતો હશે. મંગળવારે સવારે 8-9 વાગી ગયા તોય તેમના ઘરનો દરવાજો ન ખુલ્યો. પાડોશીઓને શંકા જતાં તેઓએ બારી ખોલીને ઘરની અંદર ડોકિયું કર્યું તો સામેનું દૃશ્ય જોઈ તેઓ દંગ રહી ગયા. બંનેએ ફાંસી લગાવી દીધી હતી. ઘટનાની માહિતી મળતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરુ કરી દીધી હતી. બંનેએ આત્મહત્યા કરતાં પહેલા લગ્નની એનિવર્સરી મનાવી હતી. સાંજે બંને ફરવા માટે બહાર નીકળ્યા હતા. તેણે આ ખુશીની ક્ષણને કેમેરામાં કેદ કરી હતી. આ ખુશીની ક્ષણ સંબંધીઓ સાથે શેર પણ કરી હતી. રાત્રે તેઓએ લગ્નના કપડાં પહેર્યા અને પછી સાથે આત્મહત્યા કરી લીધી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500