Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોરોના-કાળમાં માનસિકતા : શા માટે કોરોનાથી ડરીને જીવો છો ? મોત આવશે તો મરી જ જવાનું છે.-ધવલકુમાર મકવાણાનો અહેવાલ

  • July 27, 2021 

સમાજશાસ્ત્ર વિષયનો અધ્યાપક હોવાના લીધે સામાજિક સમસ્યાઓનું નિરીક્ષણ કરવું તે આવશ્યકછે અને અજાણતાથી પણ થઈ જાય છે. આજે સમાજનીજૂની ચાલી આવતી તથા હાલના કોરોના વાઈરસ સંબંધિત માનસિકતા વિષે લખવાનું મન થઈ આવ્યું છે. કોઈ વ્યક્તિ તમને આવીને અચાનક  જ કહે કે તમે ખૂબ જ ડરીને જીવન જીવો છો! તમારા મનમાં શો ભાવ ઉત્પન્ન થશે?

 

 

 

 

શા માટે તમે કોરોનાથી ડરીને જીવો છો? મોત આવશે તો મરી જ જવાનું છે

આ કોરોના કાળમાં સ્વજનો, મિત્રો, અને સમાજનાં સભ્યો ઘણી વખત જાણતા-અજાણતા એવું કહેતા હોય છે કે શા માટે તમે કોરોનાથી ડરીને જીવો છો? મોત આવશે તો મરી જ જવાનું છે અને જો નહી જ મરવાનું હોય કિસ્મતમાં- તો કોરોના અથવા પ્લેગ થશે તો પણ તમારો જીવ નહીં જાય વગેરે જેવી ઉપદેશાત્મક વાતો અને સાદી ભાષામાં કહું તો ધાર્મિક પુસ્તકના જ્ઞાનના તમાચો મારતાં હોય છે.ધર્મ પર સંદેહ નથી પરંતુ જે રીતે તેનું અર્થઘટન કરવામાં આવે છે તેની સાથે નિસબત ધરાવું છું. પરંતુ, તમે કયા આધારે કહી શકો કે પેલો કે પેલી વ્યક્તિ કોરોનાથી કે બીજી કોઈ બાબતે ડરીને જીવન વિતાવે છે? શું તે તમારી ખબર-અંતર ફોન અથવા રૂબરૂ પૂછે છે એટલા માટે? શું તેઓ કામ વગર ઘરની બહાર નથી જતાં એટલા માટે? શું તેઓ પોતાના માતા-પિતા કે સંતાનોને લગ્ન, મરણ-બેસણામાં અથવા બર્થ-ડે પાર્ટીએ જતાં અટકાવે છે, એટલે? વાહ! અને આ બધી જ બાબતો તમે જો પાળી રહ્યા છો તેના લીધે તમને એક લેબલ મારી દેશે કે ફલાંણો કે ફલાંણી કોરોનાથી બહુ ડરીને જીવે છે. વધુમાં, આજકાલ સોશિયલ મીડિયામાં અને જાહેર સ્થળોએ હોર્ડીંગ્સ દ્વારા એવા સંદેશાઓ ફરતા થયા છે કે કોરોનાથી ડરશો નહી! કોરોનાનો ડરને લીધે માણસ મરી ગયો અને કોરોનાથી નહી! પોઝિટિવ વાતો કરો નેગેટિવ વાતો કે સંદેશાઓ નહી ફેલાવો વગેરે. સાઇકોલૉજી વિષયથી પરિચિત છું વિષયનું મહત્વ સમજુ છું. માનું પણ છું કે સાઇકોલૉજી આપણા દિલ-દિમાગ અને શરીર ઉપર અસર ઉપજાવે છે, પરંતુ તમે તકેદારી નહીં રાખો અને સાઇકોલોજીને એક માત્ર આધાર બનાવો તે બાબત સાથે સહમત નથી. સ્વાભાવિક છે કે તમે કદાચ, મારા વિચારો જોડે સહમત નહીં થાવ અને તેનો કોઈ રંજ નથી. 

 

 

 

 

માણસ ઘણી બધી બાબતોથી ડરે છે અને ડરવું પણ જોઈએ અને પછી ભલેને એ કોરોના કેમ ના હોય.

હું માનું છું કે ડર એ માણસના જન્મજાત સ્વભાવમાં છે. માણસ ઘણી બધી બાબતોથી ડરે છે અને ડરવું પણ જોઈએ અને પછી ભલેને એ કોરોના કેમ ના હોય. માણસે ડરવું જોઈએ. માણસ ધર્મ-અધર્મ અને સ્વર્ગ-નર્ક જેવી ધાર્મિક બાબતોથી ડરે છે; અરે ઘરમાં બાળક પોતાના માતા-પિતા; શાળામાં બાળક શિક્ષકથી અને આમ આદમી હોસ્પિટલ, કોર્ટ અને પોલીસથીડરે છે. જો, મનુષ્ય ડરવાનું જ છોડી દેશે તો તમારું જ બાળક તમારી સામે નફ્ફટ બનીને વર્તન કરશે જેમકે ઘરના વડીલનું અપમાન, તમારી સામે દારૂ, જુગાર અથવા એવું કોઈ કાર્ય કે જેની માટે કાનૂને સજા નક્કી કરેલી હશે. પરંતુ, તમારો, સમાજનો અને કાયદાનો ડર તમારા બાળકને આમ કરતાં અટકાવે છે. ટૂંકમાં કહું તો ડર વ્યક્તિનું વાણી, વર્તન અને વ્યવહાર મર્યાદામાં રાખે છે જે સમાજનાં ધારા-ધોરણો, મૂલ્યો અને નીતિનિયમ અનુસાર હોય.વાસ્તવમાં,દરેક વ્યક્તિ જે તમને કહે છે કે તમે ડરીને જીવો છો! તે પણ તેમની વાતોથી માનસિકતા, અસલામતી, અને પોતાનો જ ડર પ્રગટ કરે છે. તેઓ પોતે જ કોરોનાથી ડરીને જીવે છે એટલે તેઓને એવું લાગે છે કે પેલો કે પેલી પણ ડરીને અથવા લાપરવાહ બનીને જીવે છે. ગુજરાતીની જૂની અને જાણીતી કહેવત છે કે “કમળો થયો હોય તેને પીળું જ દેખાય”. તમારી તકેદારી, સાવચેતી, અને જાગૃતતાને કોઈ ડરનું નામ આપે,તો સારું છે. હકીકત એવી છે કે તે વ્યક્તિ તમારા જેવી સાવચેતી, તકેદારી, અને જાગૃતતાથી દૂર છે. 

 

 

 

 

દૂધનો દાજેલોછાશ પણ ફૂંકી ફૂંકીને પીવે. 

મિત્રો, વાત કોરોનાથી ડરવાની નથી! પરંતુ, વાત છે સલામતીની. મારો અનુભવ છે કોરોનાનો. જ્યારે, મારા ઘરમાં જ કોરોનાના લક્ષણો દેખાયા હતા ત્યારે ડરનો અનુભવ થયો હતો. અનુભવ જ વ્યક્તિને ડર કે નીડર બનાવે છે. એક ગુજરાતી કહેવત છે કે દૂધનો દાજેલોછાશ પણ ફૂંકી ફૂંકીને પીવે. કોઈ દિવસ એવા વ્યક્તિના દૃષ્ટિકોણથી પણ કોરોનાને જોવાનો પ્રયત્ન પણ કરજો કે જેને એનો સાક્ષાત પોતાના જ ઘરમાં કે પોતે જ અનુભવ કર્યો હોય. સાહેબ,જીવન તો ભગવાનની મરજી વગર પૂર્ણ નહીં થાય પણ તમે જે પથારીમાં તકલીફ વેઠશો અને ઘરની આર્થિક પરિસ્થિતી કંગાળ કરી આપશો એનું શું?જાણ્યું, જોયું અને અનુભવ્યું છે કે કોરોનામાં દવાખાનાનો ખર્ચો લાખો રૂપિયામાં થાય છે. અરે સાહેબ, તવંગર પણ આ કોરોનાની ટ્રીટમેન્ટથી પાયમાલ થઈ ગયો છે ત્યાં આમ મિડલ ક્લાસ ફેમિલીની વાત જ ક્યાં કરવી. મિત્રો, હા! હું કોરોનાથી ડરું છું કેમકે આ ડર જ મને સલામતી રાખવાનું મનોબળ પૂરું પાળશે.

 

 

 

 

 

દરેક વ્યક્તિને વાણી સ્વાતંત્ર્ય છે અને જ્યાં સુધી મારા અભિપ્રાય મુજબ કોરોના હકીકતમાં છે કે નહી તે મને ખબર નથી

સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોના અભિપ્રાય જાણવા મળે છે જેવા કે કોરોના જેવું કશું જ નથી! છાપામાં પણ આવા વ્યક્તિઓ પોતાનો અભિપ્રાય મુક્તપણે આપે છે અને મને તેમની સામે કોઈ વાંધો પણ નથી. દરેક વ્યક્તિને વાણી સ્વાતંત્ર્ય છે અને જ્યાં સુધી મારા અભિપ્રાય મુજબ કોરોના હકીકતમાં છે કે નહી તે મને ખબર નથી; કોરોનાથી મરી જવાય કે નહી તે પણ ખબર નથી. પરંતુ, જો કોરોના નથી અને ડરવાનું નથી તો શા માટે આજે કબ્રસ્તાનની બહાર લાશોની લાઇન લાગી છે? શા માટે અસ્થિઓ સ્મશાનમાં ભેગા થઈ રહ્યા છે? શા માટે સરકારી, ખાનગી એમ્બ્યુલન્સથી હોસ્પિટલના રસ્તાઓ ઊભરી આવ્યા છે? શા માટે રેમડેસિવિર માટે કાળા બજારના સમાચારો જોવા મળે છે અને શા માટે પોલિટિકલ પાર્ટીઓ તેનું વેચાણ પોતાને હસ્તક કરી નાખે છે? શા માટે દર્દીના સ્વજનો વલખાં મારે છે રેમડેસિવિર માટે? શા માટે હોસ્પિટલના પાટિયા હાઉસ ફૂલ છે? શા માટે સ્કૂલો-કોલેજો-યુનિવર્સિટીઓ અને વ્યાપારિક ધંધા આંશિક બંધ અવસ્થામાં આવી પડ્યા છે?શા માટે પોલિસ,ડૉક્ટરો અને ફ્રંટ લાઈન વર્કર્સના કુટુંબના સભ્યો તેમના તંદુરસ્ત પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે?શા માટે એલ.આઇ.સી જેવી કોર્પોરેશન કોરોના વીમા માર્કેટમાં લાવી? શા માટે દૈનિક મજૂરીયાત લોકો વતનમાં હિજરત કરવા લાગ્યા? શા માટે લગ્નો, બેસણાં અને જાહેર કાર્યક્રમ સ્થગિત અથવા મર્યાદિત લોકો સાથે જ કરવાનો આંશિક પ્રતિબંધ લાગુ થયો?શા માટે વેકસીનની શોધો થવા લાગી? વગેરે વગેરે જેવા પ્રશ્નો મનમાં ઊઠી રહ્યા છે. તેથી જ હું પણ તમારી નજરમાં ડરીને અને મારી નજરે સલામતી સાથે સમય સાથે આગળ વધી રહ્યો છું. ઘણા, પરિવારમાં માત્ર એક જ વ્યક્તિ કમાનાર હોય છે જ્યારે બીજા આધારિત ટૂંકમાં, તમારી એક ભૂલથી આખો પરિવાર મુશ્કેલીમાં આવી શકે છે અને તમે કોઈ મહાભારતના યુધિષ્ઠિર કે પાંડવ નથી કે કોઈના જીવનને દાવ પર લગાવી શકો.

 

 

 

 

કદાચ, તમે કહેશો કે અમે ડરીને નથી જીવતાં તો ખૂબ જ સરસ બાબત છે પણ જાતની અને પરિવારના સભ્યોની સાવચેતી રાખવાની જવાબદારી તમારી છે. 

મિત્રો, આપણે તો એક આમ આદમી છીએ, જેમણે મહિનાના અંતે ગૅસના બૉટલના અને પેટ્રોલના વધતાં ભાવ, ઘરના રાશનની, વૃદ્ધ માત-પિતાના તબિયતની, બાળકોના શિક્ષણની, ઘરની લીધેલી લોનની અને ભવિષ્યમાં અણધારી આવી પડનારા ખર્ચની ચિંતાઓ રાખીએ છે! ટૂંકમાં, તમારા ઘરમાં કમાનાર કેટલાં વ્યક્તિઓ છે? એની સામે જવાબદારીઓ કેટલી છે? જો કમાનાર વ્યક્તિ જ કોરોના જેવી મહામારીનો ભોગ બને તો તમારું કોણ?સાહેબ, મારા ઘરમાં બધી જ જવાબદારી મારી છે, કમાનાર હું એકલો જ છું અને તેથી જ તમારી નજરમાં હું કોરોનાથી ડરતો હોઈશ પણ મારી નજરે આ ડર મને સાવચેતી, સલામતી, અને જાગૃત બનાવશે! આવી માનસિકતા સાથે આગળ વધવું પડશે. કદાચ, તમે કહેશો કે અમે ડરીને નથી જીવતાં તો ખૂબ જ સરસ બાબત છે પણ જાતની અને પરિવારના સભ્યોની સાવચેતી રાખવાની જવાબદારી તમારી છે. અસ્તુ!

 

  • Dhavalkumar Makwana
  • Gujarat Educational Public Service-II
  • Govt. Arts & Commerce College, Songadh
  • Tapi.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application