અન્ય રાજ્યોમાંથી આવતા મજૂરોને કારણે મહારાષ્ટ્રમાં કોરોનાનો વધુ ફેલાવો થઇ રહ્યો છે, એમ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) ના પ્રમુખ રાજ ઠાકરેએ મંગળવારે જણાવ્યું હતું.
‘મહારાષ્ટ્ર એ ભારતનું વિવિધ ઇન્ડસ્ટ્રીઓ ધરાવતું રાજ્ય છે. તેથી અહીં અન્ય રાજ્યોમાંથી મોટા પ્રમાણમાં મજૂરો આવતા હોય છે. આ મજૂરો જે રાજ્યમાંથી આવે છે ત્યાં ટેસ્ટ કરાવવાની સુવિધાનો અભાવ છે’, એમ તેમણે કહ્યું હતું. ‘ગયા વર્ષે લોકડાઉન દરમિયાન મેં કહ્યું હતું કે, જે મજૂરો મહારાષ્ટ્રમાંથી ગયા હતા તેમનું ટેસ્ટિંગ થવું જોઇએ, પરંતુ એવું કંઇ થયું નહીં’, એમ રાજ ઠાકરેએ મંગળવારે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સાથે ઓનલાઇન ચર્ચા કર્યા બાદ જણાવ્યું હતું.
રમતગમત ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને પ્રેક્ટિસ સેશન્સમાં તથા જીમમાં જવા દેવાની પરવાનગી આપવામાં આવે એવી વિનંતી મુખ્ય પ્રધાનને કરવામાં આવી છે, એમ તેમણે કહ્યું હતું. મહારાષ્ટ્રમાં લગાવવામાં આવેલા પ્રતિબંધો અંગે પૂછતા તેમણે કહ્યું હતું કે હાલના સમયમાં તમામ દુકાનોને બેથી ત્રણ દિવસ ચાલુ રાખવાની પરવાનગી આપવી જોઇએ. આ સિવાય તેમણે લોકડાઉનના સમય દરમિયાન લોકોના વીજળીના બિલ માફ કરવાની પણ મુખ્ય પ્રધાન પાસે માગણી કરી હતી.(ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500